આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
નવી દુનિયા અને નવા દોસ્તો: ૧૫૧
 

તમારી કબૂલાત થઈ ગઈ.'

‘ન્યાયાધીશ સાહેબ ! જરા ઊંડા ઊતરો અને પછી મને કહો કે મારો ગુનો શો ? અપરાધ શો ? મારા બાળકની ભૂલમાં મેં પૈસા ગુમાવ્યા, મારી ભૂલથી, નહિ. જેની પાસે મફત પૈસા હતા તેની પાસેથી મેં માગ્યા પણ તે ન મળ્યા. ઝૂંટવી લીધા સિવાય મને બીજો માર્ગ જડ્યો નહિ. મને સજા કરતા પહેલાં આપ ન્યાયાધીશ જ આ સંજોગોમાં બીજો કયો માર્ગ લઈ શકાય એ દર્શાવશો તો હું આભારી થઈશ. કારણ કેદમાંથી પાછો આવીશ ત્યારે મને કોઈ ઊભો નહિ રાખે - કદાચ મારું કુટુંબ પણ. ! એટલે મારે જીવવું હોય તો બહાર આવીને ફરી આ જ રસ્તો લેવાનો રહ્યો !' કિશોરે પોતાના માનસને સ્પષ્ટ કર્યું. ટોળામાંથી ફરી એકવાર ડૂસકું સંભળાયું. કિશોરે અને આખા ટોળાએ એ તરફ નજર કરી, સહુની દૃષ્ટિ સામે સરલા અને દર્શન ઊભેલાં દેખાયાં. સરલા સાડીના છેડા વડે પોતાની આંખો લૂછતી દેખાઈ. ક્ષણભર ન્યાય અને ન્યાયાધીશ થંભી ગયા. જરા રહીને ન્યાયાધીશ બોલ્યા :

‘તમારું કથન મેં નોંધી લીધું છે. હવે તમે વધારે ન બોલો તો તમે તમારી ઉપર જ ઉપકાર કરશો. બીજાના પૈસા તમે બળજબરીથી લીધા એ તો તમે કબૂલ કરો છો. છતાં હું કહું છું: બળજબરીથી નથી લીધા. એમ કહી તમારે પુરાવા આપવા હોય તો હજી પણ મને જણાવો.'

'પુરાવા ! પૈસો માત્ર બળજબરીથી જ મળે છે; બળજબરીના પ્રકાર જુદા જુદા. મારે કોઈ પુરાવો આપવો નથી. ધનને સહુનું બનાવશો તે દિવસે ચોરી અટકશે...'

'તો હું તમારા વકીલને જે કાંઈ કહેવું હોય તે કહેવા વિનંતી કરું છું.'

'મારો કોઈ વકીલ જ નથી - મારા સિવાય.' કિશોરે કહ્યું.

'તમારા જેવા જિદ્દી, આરોપીઓને ન્યાય અપાવવા સરકાર વકીલ આપે છે... બોલો વકીલસાહેબ ' કહી ન્યાયાધીશસાહેબે વકીલમંડળમાં બેઠેલા એક વકીલ તરફ જોયું, એટલે તે વકીલે ઊભા થઈ બહુ ટૂંકું કથન આરોપીના બચાવ માટે કર્યું :

'નામદાર સાહેબ ! આરોપી પોતાનું કામ પોતાને હાથે જ બગાડી રહ્યો છે. એ દર્શાવી આપે છે કે એ કોઈક ભયંકર માનસિક આઘાતનો ભોગ બન્યો છે. એના બોલ અને એના કૃત્યની જવાબદારી એની નથી, એ સ્પષ્ટ સમજાય એમ છે. એટલે એને કાંઈ પણ સજા ન કરવાની આપ નામદારને વિનંતી કરું છું... છતાં ગુનો થયો એમ માની સજા કરવી જ હોય તો તે અત્યંત હળવી જ કરવી એટલે હું આરોપી તરફે કહી શકું છું.' આટલું કહી વકીલસાહેબ બેસી ગયા. વકીલ બેઠા તે સાથે જ કિશોર ખડખડ હસી