આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
નવી દુનિયા અને નવા દોસ્તો: ૧૫૩
 

સિદ્ધાંતો વાંચી ગૂંચવાયેલા આરોપીનું માનસ અસ્થિર ભલે નહિ હોય, પણ તે ઉશ્કેરાયલું જરૂર હતું. સંકડામણમાં આવી જતાં આરોપીએ કરેલા ગુનાનો બચાવ ન થઈ શકે. છતાં આસપાસના સંજોગો વિચારતાં હું આરોપીને ત્રણ માસની કેદ અને સો રૂપિયાના દંડની સજા ફરમાવું છું. દંડ ન ભરે તો બીજા બે માસ તે કેદ ભોગવે. તેની કેળવણી અને મધ્યમ વર્ગની રહેણીકરણી પ્રમાણે આરોપીને કેદમાં બનતી સગવડ આપવાની છે.'

ન્યાયાધીશનો સાદ સંભળાતો બંધ થયો અને તેઓ પણ પોતે અદૃશ્ય થયા. લોકોની વાતોના બંધ એકાએક તુટી ગયા અને અદાલતની અંદર તથા બહાર ઘોંઘાટ વ્યાપી રહ્યો. શાંતિપૂર્વક કિશોર પોલીસના માણસો સાથે એક બાજુએ જતો દેખાયો; બીજી પાસ, સરલા અને દર્શન પણ, જતાં દેખાયાં. ગુનેગારને અને તેની પત્નીને લોકોએ ઓળખી લીધાં. અદાલતની બહાર સહુ કોઈ નીકળ્યાં અને એકાએક જગજીવનદાસ શેઠની કાર જતી જતી ઉભી રહી. દર્શન અને સરલાને જતાં જઈ, ઊભી રાખેલી કારમાંથી જગજીવન શેઠે કહ્યું :

‘અંદર આવી જાઓ, બન્ને જણ.'

‘ના જી; અમે બીજી ગાડી લઈ લઈશું.' દર્શને કહ્યું.

સરલામાં તો બોલવાના કે ચાલવાના હોશ પણ રહ્યા ન હતા. જગજીવનદાસે ફરી કહ્યું :

‘હું ઠીક કહું છું, બેસી જાઓ અંદર, આ. ટોળામાં જવાને બદલે.'

દર્શન અને સરલા બન્ને જણ શેઠની ગાડીમાં બેસી ગયા. ઉતાવળમાં સરલા શેઠ જોડે બેસી ગઈ. એ જ વખતે બાજુએ થઈ પોલીસ સાથે જતા કિશોરે ત્રણેને સાથે બેઠેલાં જોયાં. અને તેનાથી નિઃશ્વાસ. નાખી દેવાયો. ગુનેગારને તો કદી થાક લાગતો નથી. એણે તો પગે ચાલવાનું હોય છે. પગે ચાલીને કિશોર કેદખાને પહોંચી ગયો. ત્યાંની બધી વિધિનો તેણે અનુભવ કર્યો. કેદીનો પોશાક પણ તેને આપવામાં આવ્યો. બીજા કેદીઓ નવા આવેલા જુદા પડતા કેદીને જોઈ રહ્યા. કિશોરે પણ સહુના સામે જોયું અને રુક્ષપણે હસીને એક કેદી આગળ પોતાના મનનો ઊભરો સહજ કાઢ્યો :

‘ભાઈ ! સચ્ચાઈએ મને ઠીક મુસાફરી કરાવી. ઘર, નોકરી અને અદાલતમાં થઈને અંતે કેદખાને પહોંચાડ્યો !'

‘અહીં બધી સચ્ચાઈ ભુલાઈ જશે !' કેદીએ જવાબ આપ્યો.

‘અને બહાર જઈશું ત્યારે અહીંની હવા સાથે લઈને જઈશું.' બીજા