આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પગ ઉપર ઊભું રહેતું કુટુંબઃ ૧૫૭
 

તારાએ કાગળો સમેટતાં કહ્યું.

‘તોય કંઈ હરકત નથી. પાપ અને પુણ્ય એ બે ન સમજાય એવા શબ્દો છે. આ દુનિયામાં ઘણી વાર પાપ એ પુય બની જાય છે અને પુણ્ય પાપનું સ્વરૂપ ધારણ કરે છે.' દર્શન પાપપુણ્યનું રહસ્ય ઉકેલવા માંડ્યું.

‘આવા સિદ્ધાંતો સાથે તો તમે ભયંકર લાગો છો. !' તારા બોલી.

‘પરંતુ તમારા કરતાં ઓછો ભયંકર !'

‘મને ભયંકર કહો છો ? હું ભયંકર છું?'

‘હા, તારાગૌરી ! આખી સ્ત્રી જાત, ભયંકર...પણ હવે ઘેર જવું નથી? સ્ત્રી કરતાં પણ વધારે ભયંકર રાત હવે આવી પહોંચી છે. ઘેર કેટલાં મોડા પહોંચાશે ? ચાલો, ઝડપ કરો.'

દર્શનની સૂચના અનુસાર તારાએ ઝડપથી કાગળો મૂકી દીધા અને બન્ને ઓરડીની બહાર નીકળ્યાં. રસ્તામાં લોકોની ખૂબ અવરજવર ચાલુ હતી. સંધ્યાકાળ થઈ જવાથી દીવાનો પ્રકાશ ચારે બાજુએ દુનિયાને નવો રંગ આપતો હતો. દર્શન અને તારા જોકે સાથે સાથે ચાલતાં હતાં છતાં ટોળાબંધ માણસોમાંથી જતાં તેઓ કદી કદી છૂટાં પણ પડી જતાં અને વળી પાછાં ભેગાં પણ થઈ જતાં. મોટર, ટ્રામ, બસ અને લોકોની વાતો વાતાવરણને અશાંત, કરી મૂકતાં હતાં. કંટાળેલી તા.રાએ કહ્યું:

'આ તે કાંઈ વસ્તી છે કે ગિલ્લો ? જરા વાત પણ થતી નથી !'

એટલામાં ઝડપથી ચાલતા કોઈ માણસનો હાથ તેને વાગ્યો, મોટાં શહેરોમાં સ્ત્રીપુરુષના હાથ અથડાય એમાં કોઈને પાપ લાગતું નથી. એવામાં એકાએક પાછળથી ધસી આવતા એક માણસે બન્નેની વચ્ચેથી પોતાનો માર્ગ કર્યો અને માર્ગ કરતે કરતે તારાને ખભે હાથ મૂકી આગળ નીકળી જઈ પાછળ જોઈ ‘Sorry' કહી હસી તે આગળ ચાલ્યો ગયો. વાત કરવાનો સમય મળતાં દર્શને કહ્યું :

‘તુલસીદાસના યુગમાં પણ ભારે માનવગિરદી હોવી જોઈએ.’

‘તમે કેટલીક વાર એવું બોલો છો કે કંઈ સમજાય નહિ, દર્શન ! તુલસીદાસને અને માનવગિરદીને સંબંધ શો ?' તારાએ જરા વિસ્મય પામી પૂછ્યું.

'કેમ ? પેલી નદીનાવ સંજોગવાળી સાખી તો યાદ છે ને ?' દર્શને કહ્યું

અને એટલામાં જ કોઈ ભજનિક એકતારા સાથે ફરતો ગાતો બન્ને જણે દીઠો અને સાંભળ્યો.