આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
 
ચાલીના સૌંદર્યમાંથી
 


કોઈ પણ ચાલીની એક ઓરડી અને બીજી ઓરડી વચ્ચે ભાગ્યે કાંઈ મહત્ત્વનો ફેરફાર હોય. ચાલી સંસ્કૃતિનું પણ એક થર છે, જેમાં આછીપાતળી ઊંચાઈનીચાઈ સપાટ બની જાય છે. દર્શનની ઓરડી પણ એ જ ઢબની હતી. ઓરડીના તળભાગના એક ખૂણે સાદડી પાથરેલી હતી - સહજ ફાટેલી. એના ઉપર એક તકિયો હતો, જેણે દર્શનને અનેક ભાવિસ્વપ્ન બતાવ્યાં હતાં, એકબે કલામય પરંતુ મેલી બનતી જતી. છબીઓ પણ ભીંત ઉપર ટાંગેલી હતી. એક બુકસ્ટેન્ડ ઉપર માસિકો. કાગળો અને ફાઈલો અવ્યવસ્થિત પડેલાં હતાં. થોડાં પુસ્તકો ઊંચકી રહેલું એક મેજ અને એક નેતરની તૂટેલી ખુરશી દર્શનને લેખક તરીકેના એના મહત્ત્વનો કદી કદી, ખ્યાલ આપતાં હતાં. ચટાઈ ઉપર બેસીને લખતાં દર્શન કંટાળતો ત્યારે ખુરશી મેજનો ઉપયોગ કરતો, અને એનાથી કંટાળતો ત્યારે ચટાઈ ઉપર બેસી જતો; અને આખી દુનિયાથી કંટાળતો ત્યારે તે એક તંતુવાદ્ય - સિતાર લઈને બેસી જતો અને એમાંથી ઊપજતા સૂરમાં તે પોતાની નિરાશાને ગાળી કહાડતો. ચાલીઓમાં રહેતા માનવીઓ સંગીત તરફ કદી કદી વળી શકે છે એ સત્ય નવાઈભર્યું ખરું. પરંતુ એટલા જ સત્યમાંથી માનવીની જીવનશક્તિનું ભાન અભ્યાસીઓને થઈ શકે એમ છે. ચાલીઓના ધુમ્મસમાં જીવતી માનવજાત મરવા સર્જાઈ નથી. ચાલીઓના ધુમ્મસનો નાશ કરવાની - અને તેમ નહિ તો એ ધુમ્મસમાં અદ્રશ્ય થઈ જતા પહેલાં ભારે તરફડિયાં મારવાની માનવીની શક્તિ છે એટલું એ સિતાર દર્શાવી આપતો હતો.

સામાન્યતઃ દર્શન અત્યારે સિતાર લઈને બેઠો જ હોય. સંધ્યા સમયે માનવી સંગીત ન સાંભળે તો એણે ચાલીની બહાર દૂર દૂર જઈ કુદરતના કોઈ સંગીતને સાંભળવું જોઈએ. પરંતુ દર્શન ત્યારે સિતાર તરફ પણ નજર કરતો ન હતો. તેમાં ઓરડી બહારના કોઈ સંગીતનું પણ તેને આકર્ષણ હોય એમ લાગતું ન હતું. ફાટેલી ચટાઈ ઉપર બેઠે બેઠે એ કાંઈ કાગળોના થોકડા જોતો હતો, મૂકતો હતો અને બીજા ઉપાડતો હતો ! બાવીસ ત્રેવીસ વર્ષનો આ યુવાન હજી તા મજબૂત લાગતો હતો. ચાલીએ એના મુખ ઉપર