આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬૨ : ત્રિશંકુ
 


‘બધાંય આવ્યાં... પણ એક એ નથી !'

સરલા નિઃશ્વાસ નાખી એકીટશે કાંઈ જોઈ રહી. એક ક્ષણ માટે તેની દૃષ્ટિ સમક્ષ કિશોરની હસતી આકૃતિ ઊભી થઈ, પરંતુ એ તત્કાલ બદલાઈ ગઈ અને કેદખાને પુરાયેલો કિશોર તેની આંખ સમક્ષ પ્રગટ થવા લાગ્યો. સરલાએ એકાએક આંખ મીંચી દીધી અને પોતાના બંને હાથ આંખ ઉપર ઢાંકી દીધા.

તારા પોતાની ભાભીની મનોવ્યથા કાંઈક સમજી ગઈ હોય તેમ તેણે પૂછ્યું :

'ભાભી ! શું થાય છે? હું તમને પકડી લઉં?'

‘કાંઈ નહિ, બહેન !... જગજીવન શેઠનાં વહુને કાલે શું વાંચી સંભળાવું તેનો વિચાર કરતી હતી.' સરલાએ વાત બદલી નાખી અને પોતાના દુઃખને હૃદયમાં ઢાંકી રાખ્યું.

‘જગજીવનદાસ શેઠ માણસ બહુ સારા, નહિ ? આટલો જૂનો સંબંધ એમણે ચાલુ રાખ્યો.' તારાએ કહ્યું.

સરલાએ હસીને જવાબ આપ્યો : 'હા, બહેન ! માણસ બહુ સારા - હજી સુધી તો !'

અને દર્શને સરલાના મુખ તરફ જોયું.