આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬૪ : ત્રિશંકુ
 

સાથીદારો પણ કેદખાનામાં છે. કેદખાના ઠીકઠીક ભયાનક મનાય છે, અને તે હોય છે પણ ભયાનક, પરંતુ નવી દુનિયા એ ભયાનકતામાં બગીચા પણ સર્જવા મથે છે. બગીચામાં સરસ લીલોતરી હતી. ક્યારીઓમાં ફલ અને શાક થતાં હતાં, જેનો ઉપયોગ મોટે ભાગે કેદખાનાના અમલદારો માટે પણ થતો હતો. બાંધેલી પાળોમાં થઈને પાણી ખળખળ વહેતું દેખાતું હતું. કોઈ પણ આંખને ગમે એવું દૃશ્ય બન્યું હતું. પરંતુ તેના ઉપર કામ કરતા કેદીઓ અને તેમની વાતચીત માનવક્યારીનો કાદવ બની રહ્યાં હતાં. પાણી વાળતાં ન ઓળખાય એવા કિશોરને તેના એક કેદીસાથીએ કહ્યું :

‘અલ્યા, તને બબડવાની ટેવ પડી લાગે છે. રાત્રે પણ તું બોલી ઊઠે છે?'

‘હોય પણ ખરી એ ટેવ ! શું કરું? આ દીવાલની બહારની દુનિયાએ કોણ જાણે. શી શી ટેવ પાડી. છે કે તે આ કેદખાને પણ જતી નથી, અને અહીંથી કોણ જાણે હું કેવીયે ટેવો લઈને જઈશ !'. કિશોરે કહ્યું.

'અરે, ભાઈ ! અહીંની ટેવો પડે તે પહેલાં તમારા સરખા સુખિયાઓ તો બહાર ચાલ્યા જઈ, સુખમાં આળોટતા બની જશે.' બીજા કેદીએ. જવાબ આપ્યો.

'મારે બહાર નથી જવું... જો મને અહીં કાયમ માટે રાખે તો.' કિશોરે જવાબ આપ્યો. તેની સાથે કામ કરતા બન્ને કેદીઓ જરા આશ્ચર્ય પામ્યા અને એક જણાએ તો કહ્યું પણ ખરું :

'કેમ આમ બોલે છે ? અહીં કાયમ માટે કોણ રહેવા માગે ?'

'હું માનું છું. આવી સારી લીલોતરી ! જમીન ભેગું કામ ! અને જમીન એટલે તો ધરતી મા ને ? રોટલાને પણ અમૃત બનાવી દેતી ભૂખ અને તમારા જેવા દોસ્ત ! બહારની દુનિયામાં આ બધું ન મળે. મને બહારની દુનિયા ઉપર તિરસ્કાર આવે છે.' કિશોરે કહ્યું.

'અલ્યા, બૈરાંછોકરાં છે કે નહિ ?' એક કેદીએ પૂછ્યું.

કિશોરે એ કેદની સામે જોયું અને કટુતાભર્યું સ્મિત કરી કિશોરે જવાબ આપ્યો :

“બૈરાં તો નહિ.. એક જ સ્ત્રી છે... મને કેદમાં મોકલનારની સાથે એને મોટરમાં બેસીને જતી મેં જોઈ... મને અહીં કેદમાં લાવતા હતા ત્યારે જ...'

કિશોર હજી અદાલતની બહાર નીકળતાં જોયેલું દૃશ્ય ભૂલ્યો ન હતો. બીજા કેદીએ એની ઢબે કિશોરને ખૂંચતા પ્રશ્નનો નિકાલ લાવવા કહ્યું :