આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬૮ : ત્રિશંકુ
 

કરું... તમને એમ કહું કે મારું સોંપેલું કામ ન કરશો, તો ?'

‘એ તો જેવી આપની મરજી... હું બીજે કામ શોધી લઈશ.'

'મારું કહેવું કેમ તમે ન સમજ્યાં ?'

‘મને જેમ સમજાય તેમ જવાબ આપું છું. હું શું ન સમજી ?'

‘હું તમારા કામ અને વાતચીત વચ્ચે પસંદગી કરવાનો વિચાર કરતો હતો. કહો... તમારું કામ બાજુએ મૂકીએ... તો તમે મારી સાથે વાત કરો કે નહિ ?'

‘પણ વકીલસાહેબ ! હું તો મહેનતાણાના બદલામાં કામ કરું છું...એ વગર ચાલે એમ નથી.'

‘તમારું મહેનતાણું ચાલુ રહે, પછી શું ?'

'એટલે ?'

‘તમે વાતચીત જ માત્ર કરો. ટાઈપિંગ માટેની ઠરેલી રકમ તમને મળી જશે.'

'હું મહેનત કર્યા વગર મહેનતાણું લેતી નથી.' કહી તારાએ યુવાન વકીલની સામે જોયા વગર પોતાનું ટાઇપિંગ કામ ચાલુ રાખ્યું.

યુવાન વકીલ પણ થોડી વાર વગર બોલ્યે બેસી રહ્યો. તારાનો દેખાવ અત્યારે તેને ગમી ગયો હતો... અત્યારે જ નહિ... એને ઓરડી સોંપી ત્યારથી જ. તારા કૉલેજમાં ભણતી હતી; એને પૈસાની જરૂર હતી; કામ અને મહેનતાણું શોધતી હતી. પરંતુ માત્ર પુરુષનું રૂપ કે પુરુષના પૈસાથી લલચાય એવી એ ન હતી, એમ વકીલની યુવાનીને લાગ્યું. થોડી વારે તેણે તારાની વાતચીત બીજે માર્ગે દોરવા પ્રયત્ન કર્યો.

‘તારાબહેન ! તમને સિનેમા જોવાનો શોખ ખરો કે નહિ ?' વકીલે પૂછયું. સિનેમાનાટક દેખાડી સ્ત્રીઓના પ્રેમને જીતી શકાય છે એવો પુરુષવર્ગમાં ખ્યાલ છે ખરો !

‘હા જી... સારું ચિત્ર હોય તો મને જવું ગમે...' તારાએ ટાઇપિંગ ચાલુ રાખી કહ્યું.

‘આજે એક ઘણું સરસ ચિત્ર છે... આવી શકશો મારી સાથે ? હું હમણાં જ જવા ધારું છું. સમય થવા આવ્યો...' કહી યુવાન વકીલે કાંડાની ઘડિયાળ ઊંચકી નજર નાખી.

‘આજે તો ન અવાય. હજી કામ બાકી છે.' તારાએ કહ્યું.

‘કામ જતું કરો આજે... તમે બહુ થાક્યાં છો, તારાબહેન... હું અહીં જ ચા મંગાવું... ચા પીને આપણે ચાલ્યાં જઈએ, કારમાં સીધાં થિયેટર