આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ચંદ્ર, કુમુદ અને ભમરોઃ ૧૭૩
 

માણવા માગતો હતો ! એ કોટડીમાંથી બહાર નીકળીને પણ કોઈએ મુક્ત વાતાવરણ નિહાળવાનું હતું જ નહિ. વગર બોલ્યે બન્ને જણ ચાલ્યાં જતાં હતાં. તારાના મનમાં સ્ત્રી જાતિનો ક્રોધ અને જાતિની અસહાયતા ઘૂમી રહ્યાં હતાં. દર્શન તારાની આ માનસિક સ્થિતિ સમજી શક્યો હતો. તે તારાને સીધી તેને ઘેર લઈ ન જતાં, ઘરની પાસે આવેલા એક નાના એકાંત તળાવ ઉપર લઈ ગયો. આકાશમાં ચંદ્ર વહેલો ઊગી ચૂક્યો હતો. તળાવને કિનારે ઘાસ ઊગ્યું હતું; તળાવની અંદર પોયણાં ખીલી રહી આકાશના એકલા ચંદ્ર સામે પોતાની ખિલાવટ ધરી રહ્યાં હતાં.

‘અહીં જ જરા બેસીએ.’ તારાએ કહ્યું. માનવીએ સરજેલાં કેદખાનાં તો બંધનરૂપ લાગે, પરંતુ માનવીએ સરજેલાં નગરો, ગ્રામસંસ્થાઓ, કુટુંબો તથા આનંદ અને રોજગારનાં સાધનો પણ આજ તારાને કેદખાના સરખાં લાગતાં હતાં. કાંઈ પણ કિંમત ન માગે એવું કયું સ્થળ હશે ? કુદરતદીધું તળાવ, કુદરતદીધો ચંદ્ર, કુદરતદીધાં પોયણાં અને કુદરતદીધું ઘાસ તારાની પાસે કંઈ કિંમત માગતાં હોય તેમ તેને લાગ્યું નહિ. એટલે એણે એ સ્થળે કદી ન દીઠેલી સ્વતંત્રતા અનુભવી.

બંને જણ ઘાસ ઉપર બેઠાં અને દર્શને પૂછ્યું :

‘બહુ થાક લાગ્યો તારા, ખરું ?'

એકાએક તારાની આંખમાંથી અશ્રુબિંદુ પડવા લાગ્યાં અને તેણે પોતાની સાડી વડે આંખ લૂછવા માંડી. દર્શને તે જોયું અને પૂછ્યું :

‘તારા ! તું રડે છે શું?'

તારાથી કશો જવાબ આપી શકાયો નહિ. તેણે આંખ લૂછવી ચાલુ રાખી. દર્શને તેને આજ સુધી કદી રડતી દીઠી ન હતી. દર્શનથી પણ તેનું રુદન સહન થયું નહિ. તેણે તારાને સહજ હળવે માર્ગે દોરવાનો પ્રયત્ન કર્યો અને કહ્યું :

‘તું પણ ખરી છે, તારા ! તેં જ માર્યો પેલા તારા યુવાન શુભેચ્છકને - જે તને કામ આપતો હતો, અને હવે રડે છે તું? ખરું જોતાં રડવું જોઈએ પેલા વકીલે !' તારાએ પોતાનાં આંસુ લૂછી નાખ્યાં અને એક ઊંડો નિઃશ્વાસ લઈ આસપાસની સૃષ્ટિને નિહાળી. તેણે કહ્યું :

‘દર્શન ! મને આ સ્ત્રી જીવન ઉપર તિરસ્કાર આવ્યો છે !'

દર્શને તારાના મુખ સામે જોયું અને હસીને કહ્યું :

'તારો દેહ સ્ત્રીદેહ તો છે જ. તને તિરસ્કાર આવે કે ન આવે, પણ હવે એનો ઇલાજ શો ?'