આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ચંદ્ર, કુમુદ અને ભમરઃ ૧૭૫
 

દર્શનનો જ બચાવ કરવા માંડયો.

નીચું જોઈને દર્શને જ કહ્યું :

'જો, તારા ! હજી તારું ભવિષ્ય લાંબું છે અને મારું ભાવિ પણ લાંબુ છે. આપણે હજી જીવવાનાં છીએ. કેમ જાણ્યું કે ભવિષ્યમાં મારી આંખ પણ નહિ બદલાય ? સોએ સો ટકા પુરુષોમાં હું પણ આવી ગયો. મારો પણ શો વિશ્વાસ ?'

'આખા કુટુંબનો આટલા સમયથી તું માર્ગદર્શક બની રહ્યો છે અને તું જ આવું બોલે છે ? દર્શન ! જે દિવસે મને તારો વિશ્વાસ નહિ રહે તે દિવસે હું આપઘાત કરીશ...'

‘તારા ! આપઘાત કરતાં બીજાનો ઘાત કરવો એ વધારે સારું છે, હો ! અને... અને મને સ્ત્રી જાતની બીક લાગતી ન હોત. તો...' દર્શને વાક્ય અધૂરું જ મૂક્યું.

'તો શું ?' તારાએ પૂછ્યું.

‘તો.... તો કાંઈ નહિ, તારા ! મારે શું કહેવું હતું તે જ હું ભૂલી ગયો. ઘણી વાર સ્ત્રીઓનો વિચાર કરું છું ત્યારે મારી બુદ્ધિ બહેર મારી જાય છે... જોને, આપણે બન્નેએ એકબીજાને તુંકારો ક્યારથી દેવા માંડ્યો ?'

'મને તારી અને તને મારી બીક ભાગી ગઈ, તે દિવસથી ! જોને, કિશોરભાઈનો કેસ ચાલ્યો તે દિવસથી જ - ઘણું કરીને.' તારાએ સરળતાથી દિવસની ગણતરી કરી આપી. દર્શન તેની સામે જોઈને હસ્યો. અને તેણે કહ્યું :

'મારી બીક હજી ભાગી નથી ! અને તેમાંયે પેલા વકીલના મુખ ઉપર તેં કાગળો ફટકાર્યા ત્યારથી એ બીક વધી છે.'

'એ તારી સ્ત્રીબીક ક્યારે ભાગશે ?'

‘શી ખબર પડે ? બીક ન લાગે એવી સ્ત્રીને હું શોધું છું ખરો.' સહજ હસીને દર્શને કહ્યું.

'કદાચ... આવો બીકણ રહીશ તો... બીક લાગે એવી કોઈ સ્ત્રી જ તને ઉઠાવી જાય તો?'

'એ તો પરીકથામાં બને, અગર સ્ત્રિયારાજમાં... અગર હોલીવુડની નટીઓમાં ! પરીઓમાં પુરુષ ખૂટે, સ્ત્રિયારાજ્યમાં મસ્યેન્દ્ર જાય, કે કોઈ બેવકૂફ ધનિક હોલીવૂડની નટીઓની નજરે પડે, ત્યારે એ સંભવ. નવા ભારતમાં એ વાર છે.' દર્શને કહ્યું.

'પણ દર્શન ! મને સમજાયું નહિ કે તું આજ મારી કોટડી ઉપર ક્યાંથી