આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
જીવન અને ઉજાણી: ૧૯૩
 

લાગે છે તારા ! કે જીવનનાં આવર્તન એકાદ બે ભુલાવી દીધાં હોય તો કેવું?'

‘ભાઈ મને તો તારી વાતમાં કાંઈ સમજ પડતી નથી. તું કંઈ અધ્યાત્મ લેખ લખી આવ્યો લાગે છે.... કયું આવર્તન ભુલાવી દેવાય ? સિંહને સિંહ બનતો અટકાવીશ ? હરણને હરણ બનતું અટકાવીશ ? મધમાખીને માખી બનતાં. તું અટકાવીશ ? શું કરીશ તું ? કેમ કરીશ તું ?'

‘મારે માટે તો એ મુશ્કેલ છે જ. હું પણ જીવનનો એક પ્રયોગ જ ને ?'

‘તો હું પણ પ્રયોગ જ ને ?' તારાએ પૂછ્યું. દર્શન તારાની સામે જોઈ રહ્યો અને સહજ હસી તેણે કહ્યું:

‘તારી વાત તું જાણે... પણ છોકરાં હમણાં પૂછી રહ્યાં હતાં કે સિંહ માણસને ફાડી ખાય તો સિંહણને કેમ ફાડી ખાતો નથી. ? પણ સિંહની વાત જવા દઈએ. માણસને માણસ બનતો અટકાવી શકીએ કે નહિ... આજના માણસને ? એ કાંઈ ફરી ફરી અવતાર આપવા જેવો દેહ તો ન જ કહેવાય...'

‘પણ એ બને શી રીતે ?' તારાએ પૂછ્યું. દર્શન તેને કઈ બાજુએ લઈ જતો હતો તેની તારાને અત્યારે સમજ પડી નહિ. એટલે પ્રશ્ન કરીને તે દર્શનની સામે જોઈ રહી. દર્શને પ્રશ્નનો જવાબ આપ્યો :

'હં... તારો એ પ્રશ્ન હતો ! જીવન જે ઢબે વીખરાઈ રહ્યું છે તે ઢબને સંયમિત કરવામાં આવે તો કેવું?'

‘એટલે !'

માનવ જીવનને દસ વર્ષ પંદર વર્ષ પચીસ વર્ષ કે પચાસ વર્ષની પાળમાં બાંધી દેવામાં આવે તો... જીવનને પ્રગટ થવા માટે માનવી કરતાં વધારે સારું માધ્યમ ન મળે ?'

દર્શનના કથનનો ધ્વનિ તારાની સમજમાં સહજ આવ્યો. અને તેણે સહજ ચિઢાઈને જવાબ આપ્યો :

‘તે કોણ તને પરણવાને બેસી રહ્યું છે ? એમ ન માનીશ કે હું તારી સાથે ફરું છું તે તારાથી મોહ પામીને ! અગર તો તને મોહ પમાડવાને !'

'અરે અરે, તારા ! તું ક્યાંની ક્યાં મારા વિચાર ખેંચી જાય છે ? મોહની કે પરણવાની હું તો વાત જ કરતો નથી !'

‘ત્યારે હું વાત કરું છું એમ માને છે ? તારી સાથે હવે પરણવાનો “પ” પણ કોઈ બોલે તો તેને ઈશ્વરના સોગંદ ! પછી કાંઈ ?”

સૂતેલા બન્ને છોકરાં જરા હાલી ઊઠી જાગ્રત થયાં હોય એમ લાગ્યું એટલે દર્શને કહ્યું :