આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પૃથ્વી ઉપર પગઃ ૨૧૨
 

 'ભણીગણીને મોટા થયા પછી એ વાત ! ચાલ, હું તને ભગવાનની વાત કહી સંભળાવું !' માતાએ પ્રશ્ન કરતા પુત્રને બીજી બાજુએ દોર્યો. વાર્તા સાંભળી ખરી ! સાંભળતે સાંભળતે તેને નિદ્રા પણ આવવા લાગી. છતાં, નિદ્રાની પહેલી ઝપટમાં તેણે માતાને બીજો પ્રશ્ન કર્યો :

'મા, ભગવાન પરણેલા કે નહિ ?'

માતાએ જવાબ આપ્યો કે નહિ તેની સ્પષ્ટતા થાય એ પહેલાં નિદ્રાએ અમરને ઝડપી લીધો !

એ વિશે વધારે જ્ઞાન મેળવવાની આશામાં દર્શન અને તારાની કાંઈ સમજ ન પડે એવી વાત પણ સાંભળી લીધી. આંગણાના ઓટલા ઉપર દર્શન કાંઈ વાંચતો બેઠો હતો અને તારા આંગણામાં ઉગાડેલાં ફૂલ ચૂંટતી હતી. ફૂલ ચૂંટી એક ફૂલ તારાએ દર્શનને માર્યું અને દર્શને ચમકી તારા તરફ જેયું. તારાએ દર્શનને ધમકાવવા માંડ્યો :

‘જો, દર્શન ! હજી ના પાડવી હોય તો કહી દેજે... પાછો કહીશ કે મને ફસાવ્યો !... મને જરાય ગરજ નથી... પરણવાની ! સમજ્યો ?'

‘પણ મને ગરજ છે ને ? હવે જેટલી ક્ષણ જાય છે એટલી યુગ બની રહે છે.' દર્શને કહ્યું.

‘અને તારે માથે મારે ભારણ બનીને પડવું નથી...જો પરણીએ તો !'

‘તો હવે એક ક્ષણ પણ શા માટે જવા દેવી ?' દર્શને કહ્યું.

'કહે ને ભાભીને કે હવે દિવસ નક્કી કરે ?'

નિરાશ થઈ અમારે વાતચીત સાંભળવી બંધ કરી. પરણવાની કાંઈ વાત એમાં હતી ખરી, પરંતુ... ફોઈ તો દર્શનભાઈને ધમકાવતાં હતાં... એમને પરણવાની ગરજ ન હતી... ભારણ... અને ક્ષણ...અને દિવસનું નક્કીપણું...દર્શન જેવા બહાદ્દુર પુરુષની નમ્રતા.. અમરને એ બન્નેની વાતચીતમાંથી પરણવાનો તાળો મળ્યો નહિ... પથ્થર કે કાંકરી ફેંકવાને બદલે આવું સરસ ફૂલ કેમ ફેંક્યું ?... અને ફૂલ તે વળી વાગે ?... નાનકડો દડો... કહ્યું, હોત તો.. એણે લાવીને ફોઈ પાસે મૂક્યો હોત. ! મારદડી જેવી એમાં મઝા તો ન જ હોય ને ?

અમરને કાંઈ સમજ પડી નહિ કે માનવીએ શા માટે પરણવું !

અને ખરેખર લગ્નનો દિવસ આવ્યો અને દર્શન તથા તારાનાં લગ્ન થયાં - સહુએ કહ્યું કે એ બન્ને પરણી ચૂક્યાં - ત્યારે તો અમરની માનસિક ગૂંચવણ ઘણી જ વધી પડી ! માએ કિશોરને કહ્યું :

'સહુએ કમાવા માંડ્યું... મેં પણ. આ મારી બચત.'