આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ચાલીના સૌંદર્યમાંથી : ૧૫
 

પરંતુ દર્શનને કામ કરતાં હજી મહિનો પણ પૂરો થયો ન હતો. જરૂરિયાત ઘણી હોવા છતાં પગારને દિવસે તેને પગાર મળે એમ હતું નહિ. એથી નિરાશા અનુભવતો દર્શન આજ પૈસાવિહીન પરિસ્થિતિમાં પોતાના ભૂતકાળ અને ભાવિનો વિચાર કરતો કષ્ટ અનુભવી રહ્યો હતો. સામાન્યતઃ તેણે પોતાના પરાજયોને હસવા માટે રાખ્યા હતા. પરંતુ અત્યારે એના હૃદયે વીરની નિષ્ઠુરતા કે કોઈ હાસ્યરસિકની માર્મિકતા અનુભવી, નહિ. કવિમાંથી વેઠિયા પત્રકારની ભૂમિકાએ ઊતરી પડનાર દર્શનને હવે હસવું આવવું જોઈતું હતું. તેને બદલે તેનાથી પોતાની પરિસ્થિતિ ઉપર નિઃશ્વાસ નખાઈ ગયો ! વળી તેણે કિશોરની પત્ની સરલાના હાથમાં પગારનું પડીકું નિહાળ્યું અને તેને પોતાની ધનહીનતા બહુ જ સાલી. તે ગંભીર કરુણ બની ગયો અને વધારે નિરાશામાં તે ઊતરતો ચાલ્યો. અને એકાએક તેની ઓરડીના દ્વાર ઉપર ટકોરા પડ્યા. દર્શન એકાએક સાવધ બની ગયો. મુખ ઉપર પથરાયેલી નિરાશાની છાયાને એણે ખસેડી નાખી અને તેને સ્થાને નિશ્ચયપૂર્વક વિકસાવેલું સ્મિત તેણે પ્રગટ કર્યું - જોતજોતામાં. એટલામાં તો તેની ઓરડીનું બારણું જરા ખૂલ્યું અને તેમાંથી તારાનો દેહ દેખાયો. દર્શનને ફરતો જોઈ તારાએ બારણું ખોલી અંદર પ્રવેશ કર્યો અને છતાં પૂછ્યું :

'આવું કે, દર્શન ?'

'જરૂર.... હું મારાં બારણાં કદી બંધ રાખતો નથી.' દર્શને કહ્યું.

'રાત્રે પણ નહિ? અને દિવસે પણ નહિ ?'

'ના, રાત્રે પણ નહિ અને દિવસે પણ નહિ.'

'ચોરબોર પેસી જાય તો ?'

‘ભલે ! એને જે જોઈતું હોય તે ભલે લઈ જાય !'

'કદાચ કોઈ ચોર તમને જ ઊંચકી જાય તો?'

'એ ભય મને લાગતો જ નથી.'

'કારણ ?'

'આ દુનિયાને પુરુષ ઊંચકી જવા જેવો કિંમતી કદી લાગ્યો જ નથી.'

'એટલે એમ કે... તમે સ્ત્રી હો તો તમને કોઈ ઊંચકી જાય ! એમ ને ?'

'પહેલાના યુગમાં એવી બેવકૂફી પુરુષો કરતા હતા ખરા; હવે નહિ.'

'હવે કેમ નહિ ?'

'આજની સ્ત્રીઓને ઊંચકી જવી ભારે પડે એમ છે.'