આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પગની ઠેસ : ૨૩
 

આપ્યું પણ હતું ! પગારમાંથી થોડી રકમ પણ બચાવી શકાય એવી તમન્ના સ્વાભાવિક રીતે સરલાના હૃદયમાં જાગી હતી.

'પરીક્ષાનું ફૉર્મ ભરવાની રકમ આ મહિને જ આપવી પડશે !.. ભાભી ! આટલી પરીક્ષા પસાર કરી દઉં... પછી આગળ ભણવું નથી !' તારાએ સરલાને જવાબ આપ્યો.

બિલ પાછાં વાળી શકાય; એના પૈસા ન ભરવાનું બહાનું ચાલી શકે, પરંતુ પરીક્ષાના ફોર્મ માટે તો કશું જ બહાનું ચાલી શકે એમ ન હતું. પેટીમાં પૈસા મૂકવાના હતા એના કરતાં વધારે રકમ ફોર્મ માટે આપવાની હતી એ શૂન્ય ઉપજાવતું સત્ય સરલાને સમજાયું, અને આર્થિક લગામ હાથમાં લીધી હતી એ એકાએક હાથમાંથી પડી જતી હોય એમ સરલાએ અનુભવ્યું. છતાં હૃદયને વેગ આપી મુખ ઉપર જરા કૃત્રિમ સ્મિત લાવી સરલાએ કહ્યું:

'ચાલો; કાંઈ નહિ ! એ તો આપણા જ મહિનાનો ખર્ચ છે ને ?... છતાં તમે એમાં આગળ ભણવાની કેમ ના પાડી શકો ?'

'ભાભી ! મારું ભણતર-ભારણ ક્યાં ઓછું છે ?' તારાએ કહ્યું.

'હોય ! વર્ષ બે વર્ષમાં પૂરું થશે.'

'બે વર્ષનું ભણતર એટલે... ઓછામાં ઓછા બે હજાર તો ખરા જ ને ?'

'આજ સુધી મળ્યા છે તે હવે પણ મળી રહેશે...'

'મેં તો ભાભી ! નક્કી કર્યું છે કે આટલી પરીક્ષા પછી મારે કૉલેજ છોડવી જ.'

અત્યાર સુધી વગર બોલ્યે, વગર હાલ્યેચાલ્યે આરામખુરશી ઉપર આરામ કરી રહેલો કિશોર ખુરશી ઉપરથી ઊભો થયો. ભાભી-નણંદ બહસ કરતાં હતાં ત્યાં આવી ઊભો રહ્યો. એક ક્ષણભર એણે તારા સામે જોયું, સહજ સ્મિત કર્યું અને અત્યંત ભાવપૂર્વક તેને માથે હાથ મૂકી બોલ્યો.

'અને બહેન ! અમે બન્નેએ ક્યારનું નક્કી કર્યું છે કે તારે તારું કૉલેજનું શિક્ષણ પૂરું જ કરવું !.... બોલ, હવે કાંઈ કહેવું છે ? તારે તારો નિશ્ચય પાર પાડવો છે અમારો ?'

તારાથી કાંઈ બોલી શકાયું નહિ. તેનો કંઠ બંધ થઈ ગયો હતો. આવાં સ્વસુખનો ભોગ આપી બહેનની શિક્ષણપાત્રતા વધારવા કતનિશ્ચયી બનેલાં ભાઈ-ભોજાઈ બહુ થોડી કન્યાઓને મળે છે - અને તે પણ માતાપિતાના સ્વર્ગવાસ પછી !