આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૦ઃ ત્રિશંકુ
 


'આ માલસામાન બહાર ફેંકતા ભાડું મળે એમ હોય તો... જરૂર ફેંકી દો !'

ભૈયાની નજરે આખી ઓરડી પડી. ઓરડીમાં એક ફાટેલી ચટાઈ પડી હતી. કાગળોના થોકડા પડ્યા હતા, તૂટેલો સિતાર લટકતો હતો, કપડાં ફેંકાયેલાં પડ્યાં હતાં, અને ચાના બે પ્યાલામાંથી આછી વરાળ નીકળતી હતી. દર્શન ચા બનાવી પીતો હતો એ તેનું કથન ખોટું ન હતું. ઓરડીની પરિસ્થિતિ અને દર્શનના સુંદર મુખ વચ્ચેની વિભિન્નતા નિહાળી ભૈયાનું પણ મુખ જરા બદલાઈ ગયું. ગુસ્સે થવાને સર્જાયેલા ભૈયાએ પરિસ્થિતિમાં રહેલી કરુણતા કે હાસ્યને સહજ પરખ્યાં અને જરા સહાનુભૂતિપૂર્વક તેણે કહ્યું :

'પણ... બાબુજી ! તમે એવી કેવી નોકરી કરો છો કે જેમાંથી તમને પગાર જ મળતો નથી ?'

‘એ જ ખૂબી છે ને ? આજનું અર્થશાસ્ત્ર ઈશ્વર જેવો અગમ્ય કોયડો બની ગયું છે !'

ભૈયાને અર્થશાસ્ત્ર કે ઈશ્વરની અગમ્યતાનો પરિચય ન હતો. તુલસીકૃત રામાયણ અને હનુમાન ચાલીસાને નિત્ય ગોખી રહેલો ભૈયો આજના ભણેલા ભ્રમિતો કરતાં ઈશ્વરને વધારે સ્પષ્ટતાથી ઓળખતો હતો.

'બરાબર મહેનત નહિ કરતા હો, બાબુજી !' અસફળ માણસને ભૈયો પણ શિખામણ આપી શકે એમ છે.

'ભૈયાજી ! નોકરી તો સવારના આઠથી રાતના આઠ સુધી કરું છું... પણ જુઓ... મને નોકરી મળે છે તો શેઠ મળતા નથી, અને શેઠ મળે તો પગાર મળતો નથી...' દર્શને પરિસ્થિતિ સમજાવી.

'એવો કોણ શેઠ છે ?'

'શેઠ ઘણા સરસ છે. આખી દુનિયાનું સુધારકામ હાથમાં લઈ બેઠા છે. દુનિયાને સુધારવા એમણે એક છાપું કહાડ્યું છે, પણ લોકોને સુધરવું જ ક્યાં છે? એમનું છાપું કોઈ વાંચતું નથી.'

‘તો એવા શેઠને છોડી દો .. પગાર લઈને !'

'એ બરાબર. મેં કૈંક શેઠને છોડી દીધા ! આ શેઠને પણ હું છોડવા જ માગું છું પણ છ માસથી પગારદિનનું આખું પખવાડિયું શેઠ યુ. જી. બની જાય છે, Underground-ભૂગર્ભમાં જતાં રહે છે. ઑફિસ અને ઘર ઉપર પગાર માગનારની હારકતાર જામે છે. પણ પગારમાંથી રૂપિયા, બે