આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૮ : ત્રિશંકુ
 

તારાએ પાથરેલા સફરા ઉપર દર્શન સરલાની સામે બેસી ગયો અને સહજ ફિક્કુ હસ્યો.

'કેમ હસો છો ? હસવા જેવું શું બન્યું ?' પોતાના પ્રશ્નનો હાસ્યમાં જવાબ મળવાથી સરલાએ દર્શન પાસે વધારે સ્પષ્ટતા માગી.

'શું કહું, ભાભી ? એની એ જ કહાણી ! પગારદિનની.' દર્શને કહ્યું.

'એમ? આ મહિને પણ એનું એ જ? કેટલા મહિના વગર પગારે આ તંત્રી તમારી પાસે કામ લેશે ? બીજા કોઈ સારા પત્રકારને ત્યાં તપાસ કરો.' સરલાએ કહ્યું.

'વિચાર તો કરું છું, ભાભી ! અને હું તપાસમાં પણ રહું છું. પરંતુ પત્રકારો માગે છે એવા લખાણના વાંકવળોટ મને હજી લખતાં આવડ્યા નથી. અમારે પત્રકારોને તો જોઈએ નવી ઢબની ગાળો, તીખાં તમતમતાં મથાળાં, ચોંકી જવાય એવા સમાચાર અને ડરામણાં સૂચનો. મને એ હજી આવડયું હોય એમ લાગતું નથી. જુઓ ને, આ મારા કિશોરભાઈ પણ અમારું છાપું વાંચતા નથી !' દર્શને કહ્યું, અને કિશોરને તેણે વાતમાં ભેળવ્યો. કિશોર અને સરલાને તે ખરેખર પોતાનાં ભાઈ-ભાભી સમાન જ માનતો હતો.

'જુઓ, દર્શનભાઈ ! તીખા તમતમતા વાંચન વગર કોઈ છાપું વાંચે જ નહિ. એવા લખાણની હવે ટેવ પાડો.' કિશોરકાન્ત છાપામાંથી મુખ બહાર કાઢી દર્શનને કહ્યું.

‘પણ મને એવી તીખી તમતમતી માહિતી મળે તો હું લખું ને?' દર્શને કહ્યું.

'માહિતી ? એ તો ચારે પાસ જોઈએ એટલી પડી છે. આ તમારા તંત્રીની જ કેટલીય તીખી તમતમતી વાત હું તમને કહી શકું છું.' કિશોરે કહ્યું.

'પણ અમારા તંત્રી વિરુદ્ધ અમારાથી લખાય જ કેમ ?'

'પગાર ન આપતો હોય તો બધુંય લખાય !' સરલાએ ક્યું.

'તો આવતે મહિને જે થોડીઘણી આશા મને આપી છે તે પણ નિરાશામાં ફેરવાઈ જાય, અને મારે સડક ઉપર સૂવાનો પ્રસંગ આવે.' દર્શને કહ્યું.

'અમે હોઈએ અને તમને સડક ઉપર સૂવા કેમ દઈએ ?' કિશોરે કહ્યું.

'એ તો હું જાણું છું, કિશોરભાઈ ! પરંતુ આપ તો એક મહા ધનિકના મંત્રી છો. ઘણા ધનિકોને ઓળખતા હશો, ઘણી ઘણી જાણવા જેવી બાબતો