આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ફરી મળતી નોકરીઃ ૫૭
 

ફરીથી જોવાની તક મળે એ ઇચ્છાથી સુખલાલે કિશોરકાન્ત સાથે વાત લંબાવી :

‘આવી ચાલીઓમાં પણ પાછાં વાજાં વગાડતા શોખીનો હોય છે ખરા ! હા... હા... હા...!'

‘હા જી. અને કદાચ.. અંદર જે વગાડે છે તે આપના પત્રમાં કામ પણ કરતો હશે એમ ધારું છું.' કિશોરકાન્ત કહ્યું.

સુખલાલને સિતાર અને વાજાં વચ્ચે ભાગ્યે જ કંઈ ભેદ સમજાતો હોય ! અને વાજું પણ એક વાદ્ય જ છે ને ? સિતારની માફક ? આશ્ચર્ય દર્શાવી સુખલાલે પૂછ્યું :

'કોણ છે વળી એ હૈયાફૂટ્યો ?... આ જમાનામાં સંગીતની કુરસદવાળો !'

'કંઈ દર્શન કે એવું જ કશું નામ છે.' કિશોરે સમજ પાડી.

'અરે હા ! એ અહીં જ રહે છે શું?... તીખ્ખો માણસ છે, નહિ? એને બોલાવીશું જરા ?'

‘આપની ઇચ્છા હોય તો જરૂર ! અરે દર્શન, દર્શનભાઈ !'

ઓરડીના બારણા પાસે જઈ કિશોરે બારણા ઉપર ટકોરા માર્યા. પરંતુ દર્શનનો સિતાર આ બન્નેની વાતચીત પ્રસંગે ચાલી રહ્યો હતો તેમ હજી સુધી ચાલી જ રહ્યો હતો. કિશોરે જરા વધારે બળ કરી બારણું ખખડાવ્યું. સિતાર બંધ થયો. શહેરની સામાન્ય ઢબ અનુસાર દર્શને ઊભા થઈ પોતાનું બારણું આછું ખોલ્યું અને તેણે આશ્ચર્યસહ જોયું કે કિશોર તથા સુખલાલ તેના બારણા પાસે જ ઊભા છે. સુખલાલની સામે જોઈ તેને જાણે ઓળખતો ન હોય તેમ દેખાવ કરી દર્શને પૂછ્યું :

'કેમ કિશોરભાઈ ! મારો કંઈ ખપ પડ્યો કે..?'

‘આ તમારા તંત્રી સાહેબ...' કિશોરનું એ વાક્ય પૂરું થવા ન દેતાં દર્શને વચ્ચે જ કહ્યું :

'હવે એ મારા સાહેબ મટી ગયા છે. મને તો એમણે રજા આપી દીધી. છે.'

દર્શનના એ વાક્યે સુખલાલને હાસ્યભર્યો જવાબ આપવા પ્રેર્યો :

'હા... હા.. હા...! મેં કહ્યું ને કે છોકરો તીખો છે? ચાલ, તારે મારા પત્રમાંથી જવાનું નથી, કાલે કામ ઉપર ચડી જજે અને બાકીનો પગાર લઈ જજે... આજનાં છોકરાં ! જરા જરામાં ખોટું લગાડવાના જ.'

'એ કહેવા માટે આપ અહીં પધાર્યા ? માફ કરજો...' દર્શને કહ્યું.