આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૮ઃ ત્રિશંકુ
 

બીજી બાજુએ બેડમિન્ટન, એક મોટા ખંડમાં લાંબી લાકડીઓ વડે હાથીદાંતના ગોળા ટચકાવતી બિલિયર્ડની રમત હતી અને ઘણી જગ્યાએ નાના ટેબલોની આસપાસ પત્તાંની રમત ચાલતી હતી. ક્લબમાં રમાતાં પત્તાંની રમતમાં પૈસો કે આનો તો મુકાય જ નહિ! પોઈન્ટે રૂપિયો ન હોય ત્યાં સુધી પત્તાંની રમત સહુના તુચ્છકારની રમત બની જાય છે. બહાર ગરીબો દ્વારા રમાતો પ્રત્યેક જુગાર ક્લબમાં ઊંચકાઈ આવતાં તે માત્ર શોખની રમત બની રહે છે. કેટલાક ઉત્સાહી પુરુષો ઉત્સાહી સ્ત્રીસભ્યો સાથે હાથ મિલાવીને અગર સ્ત્રીને ખભે હાથ મૂકીને હસતા હસતા ફરતા હતા. થોડાં સ્ત્રી-પુરુષો મેજની આસપાસ બેસી શરબત-આઈસ્કીમ લેતાં હતાં અને કોઈક કોઈક સ્થળે પુરુષો સ્ત્રીસભ્યોને સિગારેટ આપી, એ સિગારેટને પોતે દીવાસળી પણ ચાંપતા હતા. વચ્ચે વચ્ચે બેન્ડ વાગી ઊઠતું : અને એકાએક કેટલાંક યુવકયુવતી અને વૃદ્ધ-વૃદ્ધા આવેશમાં આવી એકબીજાના હાથ-કમર પકડી અંગ્રેજી ઢબનું નૃત્ય પણ કરતાં હતાં. એ નૃત્યમાં ભારે કળા સમાયલી હશે એ સાચું, પરંતુ દર્શનને એ નૃત્યમાં ઠીક ઠીક હાસ્યરસ પણ દેખાયો. કાન ખુલ્લા રાખતાં તેણે પત્તાં રમતા ત્રણ પુરુષો અને સ્ત્રીની વાતચીત પણ સાંભળી. સ્ત્રી હિંદવાસિની હતી, પરંતુ એના મુખ ઉપરનાં પફ-પાઉડર યુરોપી મહિલાને શરમાવે એવાં હતાં; અને તેના ઓષ્ઠ ઉપરના લિપસ્ટીકના રંગો ઓષ્ઠને લાલ લાલ અંગારા બનાવી રહ્યા હતા. અલબત્ત ક્લબમાં જતી સન્નારીનું માથું ખુલ્લું જ હોવું જોઈએ - અર્ધ ખુલ્લી છાતી સહ !

સ્ત્રીનું નામ રંજન હતું અને તે ધનપાલ, જગજીવન અને રસિકલાલ સરખા વ્યાપારી વીરો સાથે પત્તાં રમતી હતી. એકાએક મુખ ઉપર ભારે કંટાળો લાવીને રંજને પત્તાં મેજ ઉપર ફેંક્યાં અને તે બોલી ઊઠી : 'આજ કંઈ રમતમાં ચિત્ત લાગતું નથી, ધનપાલ શેઠ ! આવી ભૂલો કરો છો તે મારે નથી રમવું.'

'વાત સાચી છે; રમતમાં દિલ ચોંટતું નથી' ધનપાલ શેઠે રંજનની ટીકા સ્વમુખે કબૂલ રાખી.

'આજ કાંઈ શેરના ભાવ ગગડ્યા દેખાતા નથી, પછી કેમ આમ ?' જગજીવન શેઠે રંજનની ટીકાને ટેકો આપ્યો.

‘અને જુઓ, શેઠિયા ! તમે ગમે એટલું કરશો તોયે આ દુનિયામાં યુદ્ધો અટકવાના નથી. આનો અર્ધો આનો, ભાવતાલમાં ફેરવાય તેમાં ગભરાઈ શું ઊઠો છો ? શેઠિયા !' રસિકલાલ જેવા હિંમતે બહાદુર વ્યાપારીએ જવાબ આપ્યો.