આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
નીચલા થરમાં ત્રિશંકુઃ ૮૭
 

મારો પગાર તો મેં ઘેર મોકલી દીધો. તમે બંને જણ મારી સાથે મારે ત્યાં આવો તો હું તમારી પતાવટ કરી દઉં !'

સત્યને ચાહતા માનવીને ડગલે ને પગલે જૂઠું બોલવાની કેમ જરૂર પડે છે તેનું આબેહુબ જ્ઞાન અત્યારે કિશોરને મળ્યું.

ગુંડાએ કિશોરની સામે ક્ષણ બે ક્ષણ તાકીને નિહાળ્યું. પોલીસની દરમિયાનગીરી માગે અને ગુંડાને પકડાવી દેવાની કોઈ પણ રીતે તજવીજ કરે એવી લુચ્ચાઈ કે હોશિયારી કિશોરના મુખ ઉપર ગુંડાને દેખાઈ નહિ. એવી હોશિયારી કરનાર કંઈક સેવાભાવી દોઢડાહ્યાઓને આ ગુંડાએ જમીનદોસ્ત કરી નાખ્યા હતા. સાહેબ જેવા દેખાતા માણસની દરમિયાનગીરીથી તેના પૈસા પતે એમ હોય તો પોતાના મઝદૂર જેવા ગ્રાહકને મારી નાખવાની કે અપંગ બનાવવાની તેને ઈચ્છા પણ ન હતી, અને તેમાં તેનો સ્વાર્થ પણ રહેલો ન હતો. મઝદૂર જીવતો અને કામ કરે એવો હોય તો એ ફરી ગુંડાની પાસે પૈસા માગવા આવવાનો જ હતો એની ગુંડાને ખાતરી જ હતી. એટલે તેણે કિશોરને કહ્યું :

'સાહેબ ! બીજી ભાંજગડમાં પડશો નહિ. પૈસા પતાવવાની ઈચ્છા હોય તો હું તમારી સાથે આવું... તમારા વચન ઉપર !'

‘હા હા, મારું વચન છે.' કિશોરે કહ્યું અને ત્રણે જણે ચાલવા માંડ્યું-