આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
બારણાં ઉઘાડ્યાં : ૮૯


દેવુનું હૈયું અંદરથી હોંકારો કરી ઊઠ્યું. પોતે કઈ રીતે બાપના સત્યાનાશ પામતા જીવતરને ઉગારી શકશે તેની એને ગમ નહોતી પણ પોતે આવ્યો હતો તો કાંઈક કરી જ બતાવવા એટલી એને સાન હતી.

અંધા મામાજીએ દેવુના શરીરે હાથ ફેરવતાં દેવુના ગજવા પર એનો હાથ ગયો.

'અલ્યા, આ શું ભર્યું છે ગજવામાં ?' એણે ચોંકીને દેવુને પૂછ્યું.

'પથરા' દેવુના અવાજમાં દબાયેલો મિજાજ હતો.

'શા માટે?'

દેવુએ જવાબ ન દીધો. પણ એની ઇચ્છા એના મનમાં વધુ વધુ ઘૂંટાતી હતી. એ મનમાં મનમાં કહેતો હતો : એ દુષ્ટા નવી બાને દૂરથી દેખું એટલી જ વાર છે. આ પથ્થરે પથ્થરે એનું કપાળ ફોડી નાખું. ને એને કાનોકાન ગાળો સંભળાવું કે 'તું દુષ્ટા છે, તું નઠારી છે, તું મારી મુવેલી બાની જગ્યાએ કદી જ ન આવી શકે તેવી છે. અમારા દાદાજીના તુલસી-ક્યારાનાં પાંદ સૂકાય છે તેનું કારણ કે તું દુષ્ટા છે.' આટલી ગાળો દઇને હું દોડી જઈશ. એ મને પકડવા આવશે તે પહેલાં તો હું ઘરમાં પહોંચી જઈશ. અમારા ઘરનાં તુલસી કંઈ અમસ્થાં કરમાતાં હશે ! દાદાએ જ છેલ્લા ચાર દિવસથી કહેલું કે દેવુ, તુલસીમા દુભાયાં છે. એ કાંઈ ખોટું ના હોય.

દેવુ અને અંધા મામાજી જ્યારે વીરસુતને ઘેર પહોંચ્યા ત્યારે ભદ્રાબા રસોડામાં બેસી માળા ફેરવતાં હતાં. એના મોં પર દુર્બળતા હતી. એણે ચાર દિવસથી અન્ન લીધું નહોતું. એ ફક્ત બેટંક ચહા પીને જ જીવતી હતી, એણે ઘરમાં ઘીનો દીવો અખંડ બળતો જ રાખ્યો હતો.