આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

૯૬ : તુલસી-ક્યારો


'શું જોવે છે?' પિતાએ કડકાઇ બતાવવાનો દુર્લભ મોકો પોતાના સતત અપમાનિત જીવનમાં અત્યારે મેળવ્યો.

'તમે સુકાઈ ગયા છો. દાદાજી દેખે તો શું કહે?' એમ કહી બાળક બીજી બાજુ જોઈ ગયો.

'તમે સુકાઈ ગયા છો' એટલું જ વાક્ય: વીરસુતની ખોપરીની કોઇ એક અંધારી અવાવરૂ ગુફાનાં દ્વારને ધકેલીને અંદરની રજ ઉરાડતો, ઘણાં વર્ષો પૂર્વે મગજનાં ભોંયરામાં સુષુપ્ત પડેલો આ સુર કોનો સળવળી ઊઠ્યો? આ જ વાક્ય મને કોણ કહેતું હતું? કોઈક વારંવાર કહેતું ને એ સાંભળતી વારે સખત કંટાળો છૂટતો. સામો હું જવાબ વાળતો, 'તારી તેની શી પડી છે!' - હા, હા, યાદ આવ્યું. દેવુની પરલોકે પળેલી બા જ એ બોલ બોલતી. રજાઓમાં જ્યારે જ્યારે નછૂટકે મળવા જવું પડતું, ત્યારે ત્યારે આ નાના છોકરાને મારા ખોળામાં મૂકવા પ્રયત્ન કરતી એ સ્ત્રીના હાથને અને હાથમાંના બાળકને હું તરછોડી નાખતો ને એ તરછોડવું ગળી જતી, કોઈને ખબર પણ ન પડી જાય તે આવડતથી એ અપમાનને પી જતી. પોતે જાણે પોતાની જાતને જ એ અપમાનનું ભાન ન થવા માટે બોલી ઊઠતી કે 'તમે સુકાઇ ગયા છો!'

આ છોકરોય શું એ દિવસોની અભાન સ્થિતિમાં સાંભળેલો પોતાની બાનો એ બોલ યાદદાસ્તમાં મઢી રાખી આજે ઉચ્ચારતો હતો!

પ્રોફેસરને આ બધું નહોતું ગમતું. દીકરો બોલે તે તો ગમતું હતું. પણ એના બોલવા પરથી જે ભૂતકાળ યાદ આવતો હતો તેની અકળામણ થતી હતી.

પણ આ છોકરો મારા પર શું શું વીતકો વીતી રહેલ છે તે જાણતો હશે ! જાણતો ન હોય એમ બને નહિ. ભદ્રાભાભી. બધું જ જાણીને બેઠાં છે, એમણે પણ કહ્યું જ હશે ને.'