આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
સસરાને દીઠા : ૧૦૧


સાથીઓમાંથી એક પુરુષ ટોંણો મારી રહ્યો : 'ભણી ગણી, બંડખોરીનાં ભાષણો પણ કરતી હતી, આજે કોણ જાણે એ બધું ક્યાં ગયું?'

'સ્ત્રીઓ તો બસ બોલવે જ શૂરી હોય છે, કરી દેખાડવાનો મોકો મળે છે ત્યારે તો છાતી બેસી જ જાય છે. કાલે કોર્ટમાં ઊભીશ ત્યરે તારૂં શું થશે, હેં કંચન? યાદ રાખ, જો ત્યાં તારી જીભ થોથરાઈ છે ને તો...'

એ પુરુષે બાકી રહેલું વાક્ય શબ્દોથી નહિ પણ આંખોના ડોળાના ઘુરકાટ વડે જ પૂરૂં કર્યું. એના ડોળા આખા ટોળા પર પથરાઈ વળ્યા.

'એ તો ભાસ્કરભાઇ! એક બીજી સ્ત્રીએ કહ્યું : 'કોર્ટમાં તમારે એની જુબાની થાય ત્યારે સામે જ જોઇ ઊભવું પડશે. નહિતર એ કાંઇકને બદલે કાંઇક ભરડી મારશે.'

ટોળાની પાછળ પાછળ થોડે અંતરે ચાલ્યો જતો દેવુ આ વાર્તાલાપ સાંભળતો ઊકળતો હતો, કંપતો હતો, ફાળ ખાતો હતો, જાણે કોઇ રાક્ષસી માયાના ઓળા તળે પોતે ચાલ્યો જતો હતો.

ને એણે ઓળખ્યો-નવી બાના મદદગાર ને રક્ષણહાર એ સ્ત્રી-સન્માનના આદર્શધારી ભાસ્કરને. એ ભાસ્કરે પેલી સૂચના આપનાર સ્ત્રીનો બરડો થાબડ્યો તે પણ દેવુએ જોયું. પોતે આ દૃશ્યને અને આ વર્તનને જોવા ટેવાયેલો નહોતો. દેવુની અશક્ત લાગણીઓ જાણે કે તાતી તીણી સોટીઓ બનવા તલસી ઊઠી.

પિતાનું ઘર નજીક આવતું હતું. ટોળું 'શેમ શેમ'ના શોર ધીરે ધીરે ઉઠાવતું હતું. એની વચ્ચે નવી બા અકળાતી અકળાતી નીચે