આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

૧૦૮ : તુલસી-ક્યારો


પછી એ વાત હું કરી નહિ શકું. દાદાજી ! એ વાત મારે તમને એકલાને જ કહેવી છે.'

બાગમાં બેઠેલા એકલવાયા દાદાને દેવુ પર રોષ કરવાના હોશ જ નહોતા રહ્યા. એણે પોતાની સંધ્યા-પૂજામાં 'શેમ ! શેમ !'ના તિરસ્કાર-સ્વરો સાંભળ્યા હતા. એનું મન પુત્રવધૂને એક વાર એકાંતે મળવાનું હતું. એના ઉપર તો એ આવીને ઊભા રહ્યા કે તૂર્ત વીરસુતનો રોષ તૂટી પડ્યો હતો. એ સૂનમૂન એકલા બેઠેલા પુરુષને દેવુએ પહેલો જ બોલ આ કહ્યો: 'દાદાજી, બાને ખબર પડી છે કે તમે આવેલ છો. બા શરમાયાં લાગે છે.'

દેવુની એ આખી અનુભવ કથા સાંભળતાં જ વૃદ્ધની આંખો ચાંદનીનાં કિરણોને ઝીલતી ચમકી ઊઠી.

ઝળકી ઊઠેલી આંખોને આ વૃદ્ધ બ્રાહ્મણે થોડી ઘણી મીંચી રાખી. એના મનમાંથી આર્તનાદ ઊઠ્યો. 'નિરબલ કે બલ રામ !' બિડાયેલી આંખોમાંથી અશ્રુધાર વહી.

દેવુએ પોતાના દાદાજીને રડતા એક જ વાર દીઠા હતા : પોતાની મુવેલી બાને યાદ કરતી વખત. આ પુરુષને વારંવાર આંસુ બગાડવાની આદત નહોતી. દુઃખોની આગથી એ નહોતા ઓગળતા. એને પિગળાવનાર એકજ તત્ત્વ હતું : પોતાની દીકરા-વહુઓના પોતા પ્રત્યે પ્રેમભાવ.

આખી રાત એને નીંદર ન આવી. પાછલા પહોરના અજવાળીઆને લીધે કાગડા બોલ બોલ કરતા અને એ કાગારવ એને સવાર પડી ગયાનો વારંવાર વિભ્રમ કરાવતો. પોતાની પાસે સૂતેલા દેવુના શરીર પર એ વારંવાર હાથ ફેરવતા હતા અને બીજા ઓરડામાં સૂતેલી મોટી વહુ ભદ્રા ઊંઘમાં કશું ક લવતી હતી તે તરફ એ કાન માંડતો હતો. એ સ્વપ્ન-લવારીમાં ભદ્રા બોલતી હતી: