સોમેશ્વર માસ્તરના મકાન પાસે લોકોનું ટોળું જમા થઈ ગયું હતું. સોમેશ્વર માસ્તરની પચીશેક વર્ષની ભત્રીજી યમુના ગાંડી હતી. ઘરથી થોડે દૂર નળની ટાંકી પાસે ઊભી ઊભી લાંબા હાથ કરીને રોષેભર્યા અસ્પષ્ટ શબ્દો કાઢતી કાઢતી, કોઈ મવાલી પણ જાહેરમાં ઉચ્ચારવા હિંમત ન કરી શકે તેવી અશ્લીલ ગાળો કોણ જાણે અંતરીક્ષમાં કોને ભાંડી રહી હતી.
પચાસ વરસના સોમેશ્વર માસ્તર બહાર આવ્યા ને યમુનાને ફોસલાવા લાગ્યા; યમુના એ એને પણ અપશબ્દો કહ્યા. આખરે સોમેશ્વર માસ્તરના પચીસેક વર્ષના યુવાન પુત્ર પ્રોફેસર વીરસુતે એક સોટી સાથે દોટાદોટ આવીને ગાંડી યમુનાના શરીર પર ફટકા ખેંચવા માંડયા, ત્યારે પછી આડા હાથ દેતી, ચમકતી ને ડરતી યમુના રડતી રડતી ઘરની અંદર ચાલી ગઈ.
યમુનાને ઘરની અંદર લઈ જઈ એક ઓરડીમાં પૂરીને પણ વીરસુત જયારે મારવા ને ત્રાડ દેવા લાગ્યો ત્યારે એક દસેક વર્ષનો છોકરો ત્યાં ઊભો ઊભો કહેતો હતો : 'બાફોઈ, બોલો મા, બાફોઈ,
૧