આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
સમાધાન : ૧૦૯


'કંચન ! મારી બેન ! તમને શી ખબર , બાપુજીએ તો એક વાર તમરા જેઠના બરડામાં સીસમની લાકડીનો સોટો ખેંચી કાઢેલો. શા માટે, કહું? તમારા જેઠે મને મારા બાપ સમાણી ગાળ દીધેલી એ બાપુજીને કાને પડી ગઈ હતી તેથી. બાપુજી તો બાપુજી છે બેન ! ચાલ પાછી ઘેરે. તારે તે શું મોટું દુઃખ છે. મને જોતી નથી? મારા માથાને મૂંડવાનો પહેલવેલો દા'ડો આવ્યો તે દિ' બાપુજીએ અન્નજળ નહોતાં લીધાં. નાની બાળ ઉમ્મરનું રાંડીરાંડપણું હું રમતાં રમતાં વેઠું છું તે તો બાપુજીના પ્રેમને બળે. નીકર તો બાઈ, હું તારા કરતાં ય વધુ પોચી છું - ગાભા જેવી છું.'

થોડી વાર લવતી રહી ગયેલી ભદ્રાએ ફરી પછા લવવા માંડ્યું. 'ફડા...ક ! ફડા...ક ! ફડા...ક ! હા-હા-હા-સીસમની ત્રણ લાકડીઓ ખેંચી કાઢી'તી બાપુજીએ તમારા બરડામાં : કેમ, યાદ છે ને વા'લા ! ભૂલી શકો જ કેમ? હેં, ખરૂં કહો તો, મારી સોગન... ફરી વાર દઈ તો જુઓ મને ગાળ.'

વૃદ્ધ સસરો વધુ ન સાંભળી શક્યો. વિધવા પોતાના વિદેહી સ્વામીની સાથે સ્વપ્નમાં વાતો કરી રહી હતી. એ વાતો સાંભળવામાં પોતાને પોરસ ચડતો હતો. છાતી ગજ ગજ ફુલાતી હતી. છતાં એ વાતો પતિ પત્ની વચ્ચેની ખાનગી હતી. એ સાંભળ્યે પાતક લાગે. આવા નીતિશાસ્ત્રને જીવનમાં અનુસરતો સસરો પોતાની પથારી છોડીને બગીચામાં ટહેલી રહ્યો.

સૌ સૂતાં હતાં તે વખતની આકાશી એકાંતમાં ચાંદો જાણે ચુપકીદીથી રૂપાની પાટો ને પાટો ગાળતો હતો. ગાળી ગાળીને નભોમંડળમાં અઢળક ઢોળતો હતો. કૃપણને દિલાવર બનવા પ્રેરે તેવી ચાંદની હતી. ઘુમાઘુમ કરતી કાળી વાદળીઓ આ વૃદ્ધને ચંદ્રના ઘરની વિધવા અને ત્યક્તા પુત્રવધૂઓ શી દેખાતી હતી. સસરાને નેહે નીતરતી એ સૌ