આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
સમાધાન : ૧૧૧


ચલાવી આપે છે, પુત્ર અને વહુ વચ્ચેના કજિયાટંટા ને વાંધા તકરારો પણ કોઇક ભાસ્કરભાઈ પતાવી આપે છે, એ સાંભળવાના અનેક પ્રસંગો પોતાને ગામ આવતા હતા. પુત્રને કોલેકજમાં પ્રોફેસરપદ અપાવવા માટે પણ કૈંક રાત્રિઓના ઉજાગરા વેઠીને મુંબઇ વડોદરાની દોડાદોડી ભાસ્કરભાઇએ કરી હતી તે સાંભળ્યું હતું. પણ પુત્રના પિતાને એ બધા સમાચારો અતિ-અતિ વધુ પડતા સારા લાગ્યા હતા.

પુત્રના સંસારમાં લેવાઇ રહેલો આ રસ એ જૂના જમાનાના બાપુને વધુ પડતો લાગતો હતો. કોઈ અમદાવાદ જઈ આવેલું સ્વજન ઘણી વાર જ્યારે જ્યારે એને આવીને જાણ કરતું કે 'ભાઇબંધીની તો બલિહારી છે ભાઇ! દુનિયામાં ભાઇબંધ શું નથી કરતો?' ત્યારે ત્યારે બુઢ્ઢા બાપને નાકે કશીક ન કળાય ને ન પરખાય તેવી ખાટી સોડમ આવતી હતી.

બેટા કે બેટીને, ભાઇને કે ભાઇબંધને ફક્ત પરણાવી ઘર ચાલુ કરાવી દેવા સુધીની જ વાતને સ્વધર્મની છેલ્લી સીમા સમજનાર આ જૂના જમાનાનો ભણેલો બ્રાહ્મણ તે પછીની તમામ વાતને પેશકદમી જ માનતો હતો. ભાસ્કર નામથી એણે પોતાની સન્મુખ બીજો એક બ્રાહ્મણ જોયો : બ્રાહ્મણ જ હોવો જોઇએ : એને પૂછવું જોઇએ, અલ્યા કહે તો વારૂ, તારા મિત્રધર્મની સરહદ ક્યાં સુધી જઇને થંભે છે?

એટલો વિચાર કરે છે ત્યાં તો દરવાજાની બારી ફરી વાર ઊઘડી. પહેલી એક યુવતી નીકળી ને તેની પીઠે મજબૂત હાથનો ધક્કો દેતો એનો એ જ પુરુષ પાછો નીકળ્યો. દેવુ પોતાના દાદાને ' એ જ મારી બા' એટલું કહી શકે તે પૂર્વે તો એ આનાકાની કરતી યુવતીને ધકેલવા જેવી સ્થિતિ કરતો પુરુષ સામે ઊભેલી મોટર-કાર સુધી લઈ ગયો, બેઉને લઇને કાર ઉપડી અને માત્ર ઊપડતી મોટરે એ સ્ત્રી, હજુય