આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

૧૨૦ : તુલસી-ક્યારો


ઓટોગ્રાફ પોથી અને કેમેરાની ડબીઓ લઇ પ્રત્યેક ગામે આ વીરાંગના કંચનનો વિદ્યુતમય સહવાસ મેળવવા હાજર રહ્યા. તેમણે સભા સંમેલનો ગોઠવ્યાં, તેમણે કંચનના અંબોડા માટેની વેણી કે ચોટલા માટેનું ફૂમકું મેળવી આવવા શહેરોનાં સર્વ ચૌટં પગ તળે ખૂંદ્યાં. તેમને દોડી દોડીને કંચનની તબિયત દરેક વાતે ઊઠાવી. કંચન તેમના પર ખીજાતી ત્યારે તેમણે આત્મવિસર્જનની જ ઊણપ કલ્પી હતી. કંચન ખુશાલીમાં આવી જઈ તેમની પીઠ પર ધબો લગાવતી ત્યારે તેઓ બડભાગીપણું અનુભવતા. કંચન કોઇ પહાડ ચડવા કે ઝરણાને ટપી જવા તેમનો ટેકો લેતી તો તેઓ સાફલ્યનાં શિખર સર થયાં સમજતા. તેઓ આ ક્રાંતિકારી નારીને પોતાને ઘેર તેડી જતા ત્યારે એને મહેમાન ગણીને ચહા નાસ્તાની જહેમત ઉઠાવનારી અભણ ગૃહનારીઓ પ્રત્યે કંચન 'તમે લોકો' એવું વારંવાર સંબોધન કરી ભાતભાતની 'ક્રાંતિકારી' સલાહો આપવા મંડી જતી. કોઇ કોઇ ઘેરે એને ઘરનાં બૈરાં જોડે બેસવું પડતું તો એ થોડી જ વાર બેસી પાછી પુરૂષોની બેઠકમાં ચાલી જતી ને કચવાતા સ્વરે બોલી ઊઠતી-

'એ લોકોની પાસે બેસીને તો કંટાળી જવાય છે. એ લોકો તો સાદી વાતોમાં પણ પૂછાપૂછ જ કરે છે. એ લોકો કદી સમજવાનાં જ નથી ને! એ લોકો સાથે વાત જ શા વિષયની કરવી!'

આમ પરિભ્રમણ ચાલવા લાગ્યું. પણ એ લાંબા પરિભ્રમણમાં ભાસ્કરને ન રૂચે તેવી કેટલીક વાતો પણ બનતી ગઇ. ભાસ્કર વિસ્મય પામતો હતો કે કંચન આ નવા નવા મળી જતા જુવાનો કિશોરો જોડે વધુ ને વધુ આનંદ કેમ અનુભવતી હતી, ભાસ્કરને આગળ અથવા પાછળ અન્ય લોકો સાથે વાતો કરતો રાખી પોતે આ જુવાનો કિશોરો જોડે કેમ ચાલતી હતી, એટલું જ નહિ પણ ભાસ્કરને 'અમે જરીક જઈ આવીએ' એટલું જ ફક્ત કહીને, અથવા