કશું જ કહ્યા વગર છાનીમાની કંચન આ સ્થાનિક જુવાનો જોડે ફરવા જોવા કેમ નીકળી પડતી હતી; પોતાથી દૂર બેસતા યુવકોને ખુરસી સહિત પોતાની નજીક ખેંચી કેમ બેસારતી હતી; પોતે જે સોફા પર બેઠી હોય તે પર પોતાની બાજુમાં આ યુવકોને ખેંચી લેતી અથવા એ લોકો જે હીંડોળે બેઠા હોય તેની બાજુમાં જઈ પૂર્ણ બેપરવાઈથી કેમ બેસી જતી. આવે આવે તમામ પ્રસંગે ભાસ્કરને ઝંખવાણા પડી જઈ જુદા બેસવું પડતું.
પ્રથમ પ્રથમ તો ભાસ્કરે તકેદારી અને ચાલાકી રાખી રાખી આવા કઢંગા દેખાવો થતા અટકાવવા યત્ન કર્યો. પોતે ચોક્કસ અનુમાન બાંધીને કંચનનો આવો વર્તાવ રોકવા લાગ્યો; પણ પછી તો વાત પોતાના કાબૂ બહાર ચાલી જતી જોઇ પોતે મોંયે ચડી સલાહ સૂચના દેવા લાગ્યો. એના જવાબમાં કંચન ફક્ત એટલું જ પૂછતી કે 'પણ એમાં શું થઇ ગયું? એમાં શો વાંધો છે?'
ભાસ્કર કક્ત એટલો જ ખુલાસો કરી શકતો કે 'તું એમાં શું સમજે? એથી અસર ખરાબ થાય. જુવાનોનાં મન નબળાં પડે.'
'પણ મને તો એ સાવ સ્વાભાવિક લાગે છે!'
'તારી વાત જુદી છે. હું તો બીજાઓની વાત કરૂં છું'
થોડા દિવસ ગયા બાદ 'તારી વાત જુદી છે' એ વાક્ય પર છેકો લાગી ગયો ને ભાસ્કરે સૂચક તેમજ ગર્ભિત શૈલીએ કહેવા માંડ્યું , 'માનસિક અધોગતિ ક્યારે થાય તે કોણ કહી શકે છે?'
'પણ તમે જ કહેતા હતા કે એવા લાગણીવેડા વળી શા?'
'તે તો હું મારા સંબંધમાં કહેતો હતો. બધાં કાંઈ એટલા મનોનિગ્રહવાળા હોતા નથી.'