આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

૧૨૨ : તુલસી-ક્યારો


અને આ ડહોળાએલા વાતાવરણનું એક પરિણામ એ આવ્યું કે ભાસ્કર અને કંચનને વીરનારી, ક્રાંતિકાર, બહાદુર ઇત્યાદિ જે બિરદો વડે જાહેરમાં બિરદાવતો હતો તે કરવાનું તેણ બંધ પાડ્યું ને પ્રવાસમાં બેઉ વચ્ચે ઠંડાશ જન્મતી ગઈ. બીજાઓને મોંયે ભાસ્કર કંચનના સંસ્કારોની ખામીઓ પણ કથતો થયો.

એક દિવસ એક ગામે કંચન એને ઊંઘતો મૂકી ચાણોદ-કરના।ળીના રેવા-ઘાટ પર રાત્રિની ચાંદનીમાં લટાર ખેલવા અન્ય નારીપૂજક યુવકો સાથે નીકળી પડેલી. પાછળથી ભાસ્કર જાગી ગએલો. કંચન પાછી આવી ત્યારે એણે પોતાનો ઊંડો કચવાટ જાહેર કર્યો ને એણે સાફ શબ્દોમાં સંભળાવી દીધું કે 'આવું વર્તન મારાથી નહિ સાંખી શકાય. તું તો હદ બહાર સ્વતંત્રતા લેવા લાગી છે.'

થોડી વાર કંચન સ્તબ્ધ બની ઊભી. એ ખસીઆણી પડી ગઈ. સ્વતંત્રતા લેવી એટલે શું ! હદ બહાર એટલે શું ! આવું નહિ સાંખી શ્કાય એટલે શું ! ત્યારે પોતે સ્વતંત્ર છે ને ભાસ્કર પોતાની સ્વાતંત્ર્યભાવનાનો પૂજક છે એ શું ભ્રમણા હતી!

'આમ હોય તો પછી મારે તને તારા કાકા પાસે જંગબાર મોકલી દેવી પડશે.'

ભાસ્કરનાં ભવાં આ બોલતી વખતે ભયંકર રીતે એની આંખોનો આકાર ફેરવી રહ્યા હતાં. આવી આંખો અગાઉ ક્યારે થઇ હતી? ક્યારે જોઇ હતી? કંચન યાદ કરવા લાગી : બે જ પલમાં એને યાદ આવ્યું. પોતાના પતિ વીરસુતને માર મારતી વેળા બસ આવી જ આંખો ભાસ્કરે ધારણ કરી હતી. યાદ આવતા વેંતે એ ધાક ખાઇ ગઇ. એનાથી ભાસ્કરની આંખો સામે ન જોઇ શકાયું. એ બીજીબાજુ જોઇ ગઇ.