આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
ભાસ્કરની શક્તિ : ૧૨૫


નીચે કેમ જોઈ જાય છે ? ગુસપુસ ગુસપુસ કેમ કરતા દેખાય છે ? પાછા છૂપી રીતે કાં બારી સામે તાકે છે?

તળાવનો આરો દૂર હતો. વડલાની છાંય વિશેષ આવરતી હતી. ત્રણે આકૃતિઓનાં મોઢાં સ્પષ્ટ ઉકેલી શકાતાં નહોતાં. પણ ત્યાં જોઇ રહેવાનું કૂતુહલ વધતું હતું. ત્યાં જોવું ગમતું હતું. આ મેડીના ઓરડામાં જે ઊકળાટ અને અગ્નિરસનો ધગધગાટ ચાલુ થયો હતો તેમાંથી બચાવનારું એ બારી વાટેનું, તળાવ-આરા પરનું દૃશ્ય હતું.

'આમ તો જો જરા!' ભાસ્કરનો સ્વર સહેજ નરમ પડ્યો હતો : 'તને મારામાંથી સર્વ સંતુષ્ટતા કેમ મળી રહેતી નથી ? હું કાંઇ તને સતાવતો નથી. હું તો તને મારાથી શક્ય તેટલી યશસ્વિની ને મોટી બનાવી રહ્યો છું. બદલામાં હું તારી લાગણીની મીઠાશ ને ભીનાશ માગું છું - ને તું તો મને તરછોડે છે.'

'તમે મારા વડીલ છો, મારા રક્ષક છો.' કંચન મહામહેનતે બોલી.

'પણ હું તારો સમવયસ્ક નથી શું ? હું શું ઉમ્મરમાં એટલો બધો ઘરડો થઇ ગયો છું ?'

આવું બોલનાર ભાસ્કરને પોતાની ઉમ્મરનું ભાન નહોતું રહ્યું. એ પૂરાં ચાલીસ-બેતાલીસ વર્ષો ખાઇ ગયો હતો ને યુવાન સ્ત્રીઓનો એ રક્ષક બની શક્યો હતો તે પણ એની પાકટ અને પીઢ વયને કારણે.

આજે જુવાનો અને કિશોરોનો મધપૂડો બની રહેલી કંચને એને એક બાજુ તારવ્યો એટલે જ એકાએક એને પોતાની ઉમ્મરનું ભાન થયું, ભાન થયું કે પોતે આકર્ષક કે મોહક નહોતો. યાદ આવ્યું કે પોતે તો મુરબ્બી વડીલ મોટાભાઈનું સ્થાન અને માન ભોગવતો હતો. ધિક્કાર છૂટ્યો એ માનનીય સ્થિતિ પર. વ્હેમ આવ્યો કે