આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
ધર્મશાળાના શિવાલયને ઓટલે એ બે જણા બેઠા હતા, દેવુના દાદા સોમેશ્વર માસ્તર અને અંધ મામો જ્યેષ્ટારામ. બાજુમાં દેવુ ઊંઘતો હતો. એ ઊંઘતા દેહ ઉપર, પાસે ઊભેલો ઊંચો તુલસી-છોડ પોતાની મંજરીઓનો વીંઝણો ઢોળતો હતો.
'જ્યેષ્ટારામ !' સોમેશ્વર પોતાના સાળાને પૂછતા હતા : 'કેમ લાગે છે? તને શું સૂઝે છે? આ તલમાં તે તેલ હોઈ શકે ? સળી ગયા છે આ તલ તો.'
'સળ્યું ધાન ફેંકી દેવાય, કેમ કે એ કામ ન આવે. સળ્યાં માનવીને કાંઈ ફેંકી દેવાય બાપા?' અંધો ડોસે બફારામાં બફાઈ ગયેલ બરડાને ઉઘાડો કરી, ચાંદનીમાં છબછબાવી , જનોઈ ને બે હાથે બરડા પર ઘસી ખજવાળતો ખજવાળતો કહેતો હતો.
'પણ ભાઈ,' સોમેશ્વર માસ્તર પણ ઉઘાડે શરીરે, ફક્ત એક ફાળીઆભેર, તુલસી છોડનાં પાંદ તોડી તોડી મોંમાં મૂકતાં કહેતા હતા : 'આ તો મદોન્મત્ત ! ફરતી'તી કેવી ઉઘાડે માથે ! ને પડખે ઓલ્યો દારૂડીઓ.'
'તમે પૂરેપૂરૂં જોયું નથી લાગતું.'