આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
કોણ કાવતરાખોર? : ૧૩૫


ભૂખ્યા પ્રાણીની પેઠે ઝડપી લીધો. ને એણે આજે તો કંચન બાને મોઢામોઢ જઇ મળવા નિશ્વય કર્યો. એણે નવી બા જેમાં રહેતી હતી તે ઉતરામાં એકદમ પ્રવેશવાની તો, પેલા વિકરાળ માણસની હાજરીને કારણે હિંમત ન કરી. એ કલાકો સુધી નવી બાના મુકામની બહાર છુપાઈ રહ્યો. પણ એ કલાકો એળે ગયા. આજે કંચન બા પણ બહાર ન નીકળી. પેલો વિકરાળ માણસ પણ મુકામમાંથી બહાર ન ખસ્યો.

થાકેલા દેવુએ છેક સાંજે પોતાનું જીગર મજબૂત કરીને જીભને ટેરવે આણી મૂક્યું. પછી પોતે એ મુકામની અંદર ધસી ગયો. એણે કંચન બાને એક ખાટલા પર પડેલી જોઇ. પેલો પણ એની સામે ખુરસી પર બેઠો બેઠો કશું ક વાંચતો હતો. દેવુએ ઊંબરમાં ઊભા રહીને પોતાની કશી જ પિછાન આપ્યા વગર, ધ્યાન છે ક નહિ તે જોયા તપાસ્યા વગર એકીશ્વાસે મોટા અવાજે કહી નાખ્યું:-

'જ્યેષ્ઠારામ મામા જૂઠું નથી કહેતા : દેવુએ હજુ કેટલીકને 'બા' 'બા' કરતા રહેવાનું છે?'

એટલા બોલને અંતે આવતાં તો દેવુનો શ્વાસ ગદ્ગદિત બની ફાટી ગયો, અને એક જ ક્ષણને માટે એની આંખો કંચનની જોડે એક નજર થઇ શકી. પેલો વિકરાળ માણસ ભાસ્કર ચોપડીમાંથી માથું ઊંચકીને પૂરૂં જુએ સમજે તે પૂર્વે તો દેવુ પાછો નાસી ગયો.

નાસી જતા છોકરા દેવુને પકડવા ભાસ્કર જે ચપળતાથી ઊઠ્યો ને દોડ્યો, તે એના અખાડેબાજ પૂર્વજીવનનો પુરાવો હતો. નજરે જોનાર ભાસ્કર ઠંડો અને મંદગતિ લાગતો. ઉતાવળ એનાં રૂંવાડામાં જ જાણે નહોતી. પણ એ ઠંડાશ અને મંદતાની અંદર ઝંઝાવાતના જેવો વેગ હતો, નિશ્ચય હતો. એક કંચન જ આ વાત બરાબર જાણતી