આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

૧૩૬ : તુલસી-ક્યારો


હતી. એનાથી ભાસ્કરની પાછળ બૂમ પડાઈ ગઈ કે ' ન જાઓ ! ન દોડો ! એને મારશો નહિ, બીવરાવશો નહિ!'

હાંફળી ફાંફળી એ બારીએ ડોકાઈ ઊભી રહી ત્યારે લાંબે માર્ગેથી નીચે ઊતરવા દોડેલા દેવુને ભાસ્કરે દીવાલ પરથી ઊતરી જઈ ઝાલી લીધો હતો: 'ચાલ ચાલ ઉપર.' એમ એ દેવુને કહેતો હતો : 'ડર ના, હું તને નહિ મારું. ખાવાનું આપીશ.'

ઊંચી બારીએથી કંચને આખરે દેવુને ઓળખ્યો: પોતાનો સાવકો પુત્ર : તે દિવસ રાતે અમદાવાદમાં જેણે 'બા' કહી બોલાવેલી હતી તે જ આ.

થોડી વાર થયું કે ભાસ્કર એને ન મારે, ન ડરાવે તો ભાસ્કરના ચરણોમાં પડું. થોડી વારે થયું કે આ છોકરો પોતાનો કાળ હતો, શત્રુ હતો.

ભાસ્કર એને ઉપર તેડી લાવતો હતો ત્યારે કંચન સામે જ ઊભી હતી. દેવુ કંચનની સામે મીટ માંડી શકતો નહોતો. એણે જાણે કે આ સ્ત્રીને 'બા' કહી બોલાવવાનો મહાપરાધ કર્યો હતો. એ નીચું ઘાલી ઉપર ચડતો હતો. ભસ્કરે એનું કાંડું દેખીતી રીતે તો સાદું સીધું ઝાલ્યું હતું, પણ એ કાંડાને મરડીને જે વળ ચડાવેલા હતા તે અદૃશ્ય હતા.

'બેસ' ભાસ્કરે એને પોતાની પાસે બેસાડીને પૂછ્યું, 'કોણ છો તું?'

'દેવુ.'

' કોનો દીકરો?'

'દેવુએ ન કહ્યું કે વીરસુતનો: ન કહ્યું કે દાદાનો : એણે તો સામે બેઠેલી કંચન તરફ બેઉ નેત્રો માંડીને બોલ્યા વગર જ જાણે કે પાંપણના પલકારા રૂપી શબ્દો સંભળાવ્યા : 'આનો.'