આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
કોણ કાવતરાખોર? : ૧૩૯


દેવુના પગની પડઘીઓ વિરમી ગઈ ત્યાં સુધી એ ઓરડામઆં બોલાસ બંધ રહ્યો. પહેલો ધ્વનિ એ ખંડમાં પીઠ ફેરવીને બેઠેલી કંચનના ઊંડા એક નિઃશ્વાસનો હતો : બીજા સુર એ મેડીની બારી સામે જ ઊભેલા જાંબુડાના ઝાડની એક કૂણામાં કૂણી ડાળખીએ બેસી ઝૂલતી ટચૂકડી ફૂલચકલીના ચીંચકારાનો હતો. ને ત્રીજો સૂર ભાસ્કરનો હતો. ભાસ્કરે કહ્યું:-

'કેટલા બડા કાવતરાખોર લોકો?'

એટલું સાંભળતાં જ કંચનનો સ્થિર બની રહેલો દેહ સળવળ્યો. કોઈએ જાણે કે ઊંડા વેદના-કૂપમાં પડી ગયેલીને માટે ઉપરથી સીડી સરતી મૂકી.

'હા-હા-હા-' ભાસ્કર બોલતો જ ગયો: 'પેલાને-તારાને ફરી પરણવું છે. એને ખબર છે કે એનું ને તારું સિવિલ મેરેજ છે. એક હયાત છતાં બીજી કરીશકાય નહિ. ને કોર્ટૅ ચડી લગ્ન રદ્દ કરાવી શકાય નહિ; આ મૂંઝવણમાંથી માર્ગ કાઢવા બાપને બહાર કાઢેલ છે, બાપડા બુઢ્ઢા બાપને.'

'શો માર્ગ?' કંચન કુતૂહલથી તેની સામે ફરી.

'તું જ વિચારને, કયો માર્ગ કાઢે તો ફરી પરણી શકાય તારા વીરસુતથી? તું મારું કહેવું નહોતી માનતી, ખરું? પણ મને તો ખાતરી હતી કે પાતાળમાંથી પણ તારો પીછો લેવા એ લોકો આવશે.'

'પણ મને લઈ જવાથી શું મારી સંમતિ મેળાવ્યે ફરી વાર પરણી શકે?'