આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

૧૪૨ : તુલસી-ક્યારો


'અમારે પણ આ પછાત ગામના લોકોને, ખાસ કરીને સ્ત્રીઓને સ્વાધીન નારીનો આદર્શ બતાવવો હતો, તે ઉમેદ આજે પૂરી થશે.' તેડવા આવેલાઓ પૈકીનો બીજો અંદરખાનેથી પાણી પાણી બનીને બોલી રહ્યો.

પછી સૌ ગાડીમાં બેઠા ત્યારે કંચનની સામેની બેઠક પર બેસવા માટે સંચાલકો પૈકીના બે જણાઓમાં ઘડીભર તો ગુપ્ત એક બાજી રમાઈ ગઈ. પેલો કહે, હું નહિ. બીજો કહે, નહિ , હું નહિ.

'અરે શું હું નહિ હું નહિ કરો છો?' એમ બોલીને કંચને એ બેમાંથી એક બડભાગીને હાથ ઝાલી પોતાની સામે ખેંચી લીધો. પછી સાફળા જ તેને કાંઈક યાદ આવતાં બાજુમાં બેઠેલ ભાસ્કર સામે જોયું. પણ ભાસ્કર જાણે જાણતો જ ન હોય તેમ બીજી દિશામાં જોઈ બેઠો હતો.

ગાડી સભાસ્થાન પર આવી પહોંચી ત્યારે 'ઢરરર...ઢમ! ઢમ: ઢમ: ઢમ: ટી-કી ટી-કી ટી-કી-ઢમ:' એવા સ્વરે વ્યાયામ-બેન્ડે સલામી આપી. પ્રવેશ-દ્વારથી મંચ સુધી યુવાનોએ લાઠીઓની કમાનવાળો માર્ગ રચી દીધો: ને શ્રોતાઓમાં અગાઉ જઈ કોઈએ કહ્યું :'દેવીજી આવે છે: શાંતિ રાખો.'

લાઠીઓની કમાનો વચ્ચે થઈ ને કંચન ગૌરવયુક્ત ગતિએ રંગમંચ તરફ ચાલી ત્યારે પ્રેક્ષકો એને તાકી તાકીને જોઈ રહ્યા. 'આહાહા ! એની તાકાત તો જુઓ.'

'દુઃખી બહુ થઈ લાગે છે બાપડી!'

'સિંહણ જેવી છે ને?'

'જુઓ ક્યાં આ શક્તિ ભવાની, ને ક્યાં આપણાં કચકી ગયેલાં સડેલાં બૈરાં! જુઓને બધી ભાવઠ્યો આ બેઠી.'