આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

૧૪૨ : તુલસી-ક્યારો


હતો, બીજો ડોસો કોણ જાણે લજ્જાની કે પછી કોણ જાણે આનંદની ઊર્મિથી વારંવાર ડુસ્કાં ખાતો હતો ને છોકરો તો ગોઠણભેર થઈ થઈ આભા જેવો આ તમાશાને જોતો હતો.

કોઈ ન સાંભળે, અથવા સાંભળે. તો પણ ન સમજે, તેવી આવડતથી બેઉ ડોસા પરસ્પર વાતો કરી લેતા હતા:

'હા, હા, જ્યેષ્ઠારામ, હવે આશા નથી. આપણા ઘરમાં હવે શે સમાય?'

'જોઈ ને તો ન્યાલ થઈ લો.'

'પણ હું શું જોઉં ? અરે દીકરી-દીકરી-દીકરી-'

'જોજો સાદ ન ફાટી જાય.'

'આ હા હા ! હજારો લોકોની દેવી, મારા ઘરમાં શે સામે?'

એવી વાતોના ક્ષુદ્ર ગણગણાટ પર મેઘ-ગર્જના છવરાઈ જાય તેવો ભાસ્કરનો ભાષણરવ ગૂંજી ઊઠ્યો:

'શ્રોતાજનો, તમે જાણો છો, તમારી સૌની માતાઓ બહેનોની સ્વાધીનતા પ્રાપ્ત કરવા આ 'દેવી'એ શું શું સહ્યું છે? એના ચહેરા પર દુઃખના હળ હાલેલાં છે, એના આ ચાસ જુઓ છો? ને હું તમને કહું છું ત્યારે ધ્રાશકો પડશે, તમારી છાતી બેસી જશે કે આજે, અત્યારે, આ જ ક્ષણે, આ સભામંડપની અંદર જ એક સ્થળે આ તમારી 'દેવી'નું કાસળ કાઢી નાખવાનું કાવતરૂં ચાલી રહ્યું છે.'

એ થંભ્યો, સભાવૃંદ ખળભળ્યું, ખુદ 'દેવી'નો ચહેરો પણ ચોંકી ઊઠ્યો, ચહેરે ચહેરા એકબીજાની સામે ફર્યા, આંખે આંખને પગ આવ્યા, પ્રત્યેક આંખ શોધવા લાગી કાવતરાંખોરોની જમાતને.