આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
જનતા ને જોગમાયા : ૧૪૫


'એ કાસળ કાઢી નાખરાઓ,' ભાસ્કરનો અવાજ એરણ પર ધણના પ્રહાર સમો પડ્યો, 'ચેતી જાય, આંહીંથી ચાલ્યા જાય, નહિતર આખું કાવતરૂં બહાર પડી જશે ને તેમના હાથમાં હાથકડીઓ પડશે.'

થોડી ઘણી ખામોશ ધરીને પછી એ બીજા મુદ્દાઓની ચર્ચામાં આગળ વધ્યો; થોડી વાર ઊંચા નીચા થઈ ને જોવા માંડેલા શ્રોતાઓ ભાસ્કરના શબ્દ પ્રભાવમાં ફરી લુપ્ત થયા. અને શ્રોતા સમૂહને એક છેવાડે ખૂણેથી બે બુઢ્ઢાઓ, એક બાળકને હાથ વડે લપેટતા, ધ્રૂજતા, વિમાસતા, ધીરે ધીરે સરી જઈને બહાર નીકળી ગયા.

ભાસ્કરની ધમકી તેમને ઉદ્દેશીને હતી એ તો સમજી શક્યા હતા. તમ્નો સૌથી મોટો ભય દેવુનો જીવ જોખમાઈ જવાનો હતો. ઉતારે જઇને દેવુને પૂછતાં તેણે પોતાની તે સાંજની, ભાસ્કરસાથેની મુલાકાતનું પૂરું વર્ણન કર્યું. તે સાંભળીબેઉ બુઢ્ઢાના શ્વાસ હાંફી ગયા. છોકરો કોઇ રાક્ષસની ગુફામાંથી હેમખેમ પાછો આવ્યો લાગ્યો. તેમણે બેઉએ મસલત કરી. ભય લાગ્યો કે વહુને લેવા આવતાં ક્યાંઈક છોકરો ખોઈ બેસશું. તેઓએ રાતની ગાડીમાં લાગુ પડી આ ખુવારીનો માર્ગ છોડ્યો.

રસ્તામાં દેવુના દાદા સુનકારની સાક્ષાત્ મૂર્તિ બનીને બેસી રહ્યા. 'પહેલી જ વાર હું હાર્યો આ જીંદગીમાં, જ્યેષ્ઠારામ ! પહેલી વાર - અને છેલ્લી વાર !' એટલું જ એકાદ વાર બોલ્યા. એ એક જ ઉદ્ગાર અંતરમાં ભારી કરીને પોતે પાછા પોતાના વતનમાં સમાઈ ગયા. ગામના સ્ટેશને ધોળા દિવસની ટ્રેનમાં ન ઊતરવું પડે તે માટે રસ્તે એક ગાડી છોડી દીધી, ને મધરાતે પોતાને ગામ ઊતરી ઘરમાં પેસી ગયા. ને જ્યેષ્ઠારામે પણ પાછો પોતાનો અસલી અંધાપો ધારણ કરી લઈ પછવાડેની પરશાળમાં પોતાનું એકલ સ્થાન સંભાળી લીધું.