આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
કોના પ્રારબ્ધનું : ૫


ખરું જોતાં સોમેશ્વર માસ્તરની પાસે આ પ્રશ્નો ના ઉત્તર નહોતા. એમેણે કદી અગાઉ ભૈરવપુર જોયેલું નહિ. ઘણા માણસો, પારસીઓ અને મુસલમાનો પણ પાતાના ગાંડા થઇ ગયેલ કુટુંબીઓને ભૈરવપુર લઈ જતાં, ને તેમાંનું કોણ આરામ મેળવીને આવ્યું તેની નજરે સાબિતી તો નહોતી દીઠી, પણ ફરતાં ગામોમાં અજાણ્યાં અજાણ્યાં લોકો એવી વાતો કરતાં કે ભૈરવપુરના ભૈરવ આગળ એકેય વળગાડ ઊભો રહેતો નથી. ફલાણાને આરામ થયો, ઢીંકણાનું ભૂત ભાગી ગયું. પેલા પારસીની છોકરીને વળગેલી વાઘરણ ચાલી ગઈ, અરે એને તો ભૂવાએ ચોટલે ઝાલી ઝાલી, લપડાકો મારી મારીને કાઢી, વગેરે ખાલી વાતો જ હવામાં તરતી આવતી હતી.

'આમ તે કોઈને સારૂં થાય હેં દાદા?' એ પ્રશ્ન પૂછનાર દેવુને સોમેશ્વર માસ્તર કશો જવાબ ન વાળી શક્યા. એને પોતાને પસ્તાવો પણ બહુ થયો, કે એને ઊંડા ઊતરીને કશી ખાત્રી કર્યા વગર યમુનાને ભૈરવપુર લઈ જઈ ઘાતકી માર ખવરાવ્યો યાદ કરતાં કરતાં એને પણ ભૂવા પ્રત્યે ઘૃણા જન્મી. આ માણસમાં શિવજીનો સંદેશ હોઈ જ કેમ શકે?

'આવી ક્રૂરતા ગાંડાં માણસો પર કરાય, હેં દાદા? મને તો દયા જ આવે છે' એવું બોલતો દેવુ હસવાનો પ્રયત્ન કરી રડવું રોકતો હતો. સૂતેલી યમુનાની નજીક પોતે "બાફોઈ, કેમ છે? હવે દુ:ખે છે? " એમ કહેતો ગાલ પંપાળવા નજીક ગયો ત્યાં યમુના ટ્રેનના પાટિયા પરથી ચમકી ઊઠી, બારી વાટે બહાર કૂદી પડવા દોડતી હતી. દાદાએ એને પાછી સુવારી ત્યારે એનો ચહેરો ખૂબ દયામણો લાગતો હતો. દેવુ એ ભૈરવપુરના સોમવારની ધુણાવવાની ક્રિયાને વારંવાર યાદ કરતો કરતો પોતાની આંખો આડે હાથ ચાંપી દેતો હતો ને મનમાં મનમાં બોલતો 'ભયંકર! બહુ ભયંકર! દાદા ! બહુ નિર્દય !"