આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
દિયરની દુઃખભાગી : ૧૫૧


આ માહિતી કાંઈ નવી નહોતી, છતાં પોતે કોણ જાણે શાથી આત્મવિસ્તૃત થઈ ગયો હતો, એ વિસ્મૃતિ પર આ ખબર એક વજ્રપાત શા નીવડ્યા અને તે પછી તો એને કંચનનું કોઈ અકસ્માતથી મૃત્યુ જ સતત વાંછ્યા કર્યું.

'કંઈ પરવા નહિ.' એ થોડીક કળ વળી ગયા પછી વિચારતો: 'સ્વતંત્ર જીવનમાંથી ઊલટાનું વધુ સુખ મળી રહેશે.'

એવું સુખ મેળવવાના માર્ગો પોતાને મળતા રહે છે એવું પોતે માનતો હતો. મિત્રો પોતાની પત્નીઓ સાથે એની જોડે એને ખર્ચે સિનેમામાં આવતા થયા, ને ત્યાં મિત્રપત્નીઓ તેમ જ પતિના આ મિત્રની વચ્ચે બેસતી થઈ. થોડા દિવસોમાં જ આ વાતની જાહેર વગોવણી ચાલુ થઇ એટલે મિત્રો ને મિત્રપત્નીઓ એને આવો સમાગમ લાભ આપતા અટકી પડ્યા. પ્રણય કરવાના પરાક્રમ માટે એ ઘણીવાર નીકળતો થયો, પણ એ પરાક્રમ માટે ખપતું જીગર એની પાસે કદી જ સંઘરાયું. નફટાઈ એનામાં ન જ આવી શકી. છતાં પોતે નાહકનો એવો દેખાવો કરી સારા વર્ગમાં પણ અળખામણો બન્યો.

નહિ પૂરા નફ્ફટ, ને નહિ પૂરા સંયમી એવા પુરુષની જે દશા થાય છે તે વીરસુતની બની.

બહારના જગતનાં આવાં બધાં જ સાહસોમાં એના હાથ હેઠા પડ્યા ત્યારે એ ઘેર આવીને વિચાર કરવા બેઠો. સ્ત્રી મળવી દુર્લભ છે. મિત્રપત્નીઓનાં મલકાતાં મોઢાં અને એ મોઢાંમાંથી ટપકતી દિલસોજી મારી સ્ત્રી બાબતની ભૂખને ભુલાવવાને બદલે વધુ પ્રદીપ્ત કરે છે. ને હું જો વધુ અગ્રસર બનું તો તેનાથી સૌ ભડકે છે. આટલા બધા પવિત્ર રહી ગયેલા જગત પર એને તિરસ્કાર છૂટ્યો.

એક વાર મોટર લઈને સીમમાં ફરવા ગયેલો. ઘાસની ભારી