આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

૧૫૪ : તુલસી-ક્યારો


'કેમ ભાભી ! આ બધું શુ?' એમ બોલતો પોતે બાજુના ખંડમાં ધસી ગયો.

ભદ્રા બેઠી બેઠી એનાં ફાટેલાં ધોતીઆંને બારીક સાંધા કરતી હતી ને ઊન ટસરનાં કપડામાં પડી ગયેલા કાણાંને તૂંની લઈ દુરસ્ત કરતી હતી.

દિયર આવતાં જ એણે પોતાનો પહોળો પાથરેલો ખોડો સંકોડી લીધો ને મોંમા ઝાલેલી સોય હાથમાં લઈ લીધી.

'કંઈ નહિ ભૈ!' એણે ઊભા થઇ જઇને એક બાજુએ સંકોડાઇ ર્હી કહ્યું : 'ઘણા દા'ડાથી કપડાંની ફેરવણી થવી રહી ગઈ હશે - તે એ તો કશું નહિ. હાથે સરખાં થાય એવાં તો મેં સાંધવા લીધાં છે, પણ બાકીનાં જે મેજ પર મેલેલ છે, તે સાંધવા કોઇક દરજીને બોલાવશો ને, તો હું એને સમજ પાડી દઇશ કે કેમ સાંધવા.'

'દરજીનેય તમારે સમજાવવો પડશે? વીરસુતે હાંસી કરી.

'સેજ અમસ્થું ભૈ ! એ તો મૂવાઓ ખોટા રંગના થીગડાં મારી વાળે ખરા ને? એટલે હું આમાંથી જ સાવ નકામાં બનેલાં લૂગડાંનું કાપડ, ભળતા રંગનું, ગોતી કાઢી દઇશ'

એમ બોલતી બોલતી ભદ્રા બે હાથની આંગળીઓ વચ્ચે ચમકતી નાની સોયને રમાડતી ઊભી રહી.

થીગડાંની પણ રંગમિલાવટ હોય છે એ આ રસાયણિક દ્રવ્યોની રંગમિલાવટમાં પાવરધા પ્રોફેસરે પહેલી જ વાર સાંભળ્યું.

'ઠીક, દરજી બોલાવી આપીશ. તમને ઠીક પડે તેમ કજો.'

'આંહી બેસીને જે કોઇ કરી આપે તો વધારે સારું.' ભદ્રાએ જરાક દેરની સામે જોતે જોતે કહ્યું.