૧૫૪ : તુલસી-ક્યારો
હારો નહોતી પણ ફૂલોની બાગ હતી. સાડીઓ, પોલકાં, ચણીઆ, ગરાસણીવેશના ઘેરદાર પોશાક, કણબણ-વેશનાં આભલે જડ્યાં વસ્ત્રો, સાવ સફેદથી માંડી છેલ્લામાં છેલ્લી ફેશનની રંગીન સાડીઓ, ખોટા અંબોડા, ખોટી વેણીઓ, હીરની નાડીઓ, ચોટલાંના પારંપાર ફૂમતાં, રિબનના ઢગલાં........
જોનારનું કલેજું હલી જાય તેટલી એ પોશાકી રિયાસત કોની હતી? કંચનની. ક્યારે આ બધું ખરીદ કરેલું? પ્રત્યેક ખરીદી વખતે વીરસુત સાથે હતો છતાં એ અત્યારે આભો બન્યો. એની આંખે જાણે ચક્કર આવ્યાં.
ને એ વણગણીઓમાંની એક વણગણી ઊંદરે ને જીવાતે ચૂંથી નાખેલાં ઘણાં કિંમતી અને ઊભાઊભ ખરીદાવેલાં વસ્ત્રોની હતી.
પોતે ટગર ટગર જોઈ રહ્યો. આ વસ્ત્રોની પહેરનારી ચાલી ગઈ હતી. પારકી થઈ હતી. ઘરમાં રહી ત્યાં સુધી પણ આ વસ્ત્રો પર એને પોતાપણું નહોતું. એ જેમ આવે તેમ પહેરતી, પહેરી પહેરીને ફગાવતી, ડૂચા વાળીને કબાટોમાં આ મહામોલાં લૂગડાં જ્યાં ત્યાં રઝળતાં; નહાવાની ઓરડીની ખીંતીઓ, દીવાનખાનાની ખુરસીઓ, અરે એકે ય ખંડની ખીંતીએ આ સ્ત્રીનાં રઝળતાં વસ્ત્રોથી મુક્ત નહોતી.
જોતાં જોતાં આંખોનો બોજ બેહદ વધ્યો. એ બોજ આંખોએ હૈયા ઉપર લાદ્યો, ને હૈયાએ કંઠમાંથી 'આહ!' શબ્દે એ બોજો બહાર ફગાવ્યો.
'આહ!' બોલી પોતે બહાર નીકળ્યો ત્યારે ભદ્રા પરશાળ સુધી આગળ ચાલી ગઈ હતી. જાણીબૂઝીને જ ભદ્રાએ એ કબાટોનાં વસ્ત્રાભરણો વિષે કશું પૂછ્યું નહિ. સાંધવા