આ તસ્વીરો ભાળીને વીરસુતથી એટલું બોલી જવાયું કે, પેલી એક... પેલી... એ ક્યાંઈ જડે છે?'
પણ ભદ્રાએ એનો જવાબ ન વાળ્યો. સાંજે જ્યારે વીરસુત ઘેર આવીને પોતાના ઓરડામાં બેઠો ત્યારે એને પોતાના ડ્રેસીંગ ટેબલ પર પોતાની ને કંચનની જે સહછબી ઉતારી દૂર ઊંધી મૂકી દીધેલી હતી તે જ છબીની હાથીદાંતની ફ્રેમમાં એક ઘણી જૂનવાણી, ઝાંખી પડી ગયેલી છબીને મઢાઇને મુકાયેલી દીઠી. છબીની બાજુમાં એક કાળી અગરબત્તી બળતી હતી.
પાસે જઈને એને છબી જોઇ : પહેલી વાર પોતે પરણેલો તે પછી તાજેતર દેવુની બા સાથે પડાવેલી એ છબી હતી. પોતે તેમાં અણઘડ અને અસંસ્કારી બાળક જેવો કઢંગો કઢંગો બેઠો છે: હાથમાં સોટી રહી ગઈ છે: ગજવામાંથી પોણો ભાગ બહાર દેખાતો ગુલાબી રૂમાલ છે: મૂછો હજી ફૂટી નથી: ધોતિયું પહેરતાં પણ આવડ્યું નથી: અંદરનું જાકીટ દેખાય તે માટે કોટ ઉઘાડો રાખેલ છે. એટલે ધોતિયાનો ગોડાયો આગળ ધસી પડેલો છે: ને માથે તેલ નાખ્યું હોવાથી વાળ સફેદ ઊઠ્યા છે.
એવા પોતાના વિચિત્ર સ્વરુપની બાજુએ બેઠી છે દેવુની બા; તાજી પરણીને આવેલી નાની શી કિશોરી, સુકુમારી , છોભીલી, શરણાગતા : છતાં હસમુખી, ઓપતિની સમોવડ દેખાવા ઊંચી ટટ્ટાર કાયા રાખીને બેઠેલી, સહેજ નીચે ઢળેલ પોપચે વધુ રૂડી લાગતી.
આ પત્નીને આજે વીરસુતે ઓળખી, પોતાને પણ ઓળખ્યો. છબીની સામે બેસીને એ અનિમેષ નયને જોઈ રહ્યો.
'બરાબર દેવુનું જ મોં.' એનાથી બોલાઇ ગયું.