આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
માતા સમી મધુર : ૧૬૩


'ધોતિયે કોઇ કોઇ છાંટો પડી જાય છે ને ભૈ ! તેનો પાકો ડાગ જતો નથી. આ રેશમ છે, પે'રવું ફાવશે, ને એને હું મારે હાથે જ ધોતી રહીશ ભૈ ! ગંદુ નહિ થવા દઉં'

'તમે પણ ઠીક મને દીપડો બનાવવા માંડ્યો છે હો ભાભી!'

આ શબ્દોમાં નવા જીવન-રસની સોડમ હતી.

ભાભી ઘરની રીતભાતમાં જે કાંઈ ફેરફારો કરાવતી હતી તે દેરને ગમતા ગયા. દેર એ કરતો ગયો તેમ તેમ ભાભીની પ્રસન્નતા વધુ વધુ કળા પાથરતી ગઈ. કંચનને રીઝવવા એણે જે જે કર્યું હતું તેના પ્રમાણમાં આ તો તુચ્છ હતું. કંચન પ્રત્યેક પ્રયત્ને વહુ અસંતુષ્ટ બનતી ત્યારે ભદ્રા તો થોડા પ્રયત્ને રીઝતી. પીતાંબરી પહેરવાથી જો ભાભી આટલાં પરિતૃપ્ત રહે તો મારા બાપનું શું ગયું! એમ વીરસુતની વિફલતાના અસીમ વેરાન ઉપર ભદ્રાની પ્રસન્નતાની હરિયાળી ક્યારીઓ જેવી ઊગી નીકળી. વીરસુત જો બેપરવા, તમ વગરનો લોખંડી પુરુષ હોત તો એને ભોજાઈની આ પ્રસન્નતા બહુ મહત્ત્વની ન ભાસત. પણ અરધો બાયડી જેવો એ પ્રોફેસર, બાયડીઓની પેઠે જ ભૂખ્યો હતો પોતાનાં સ્વજનોના સંતોષનો. માટે જ ભદ્રાને પોતે પીતાંબરી પહેરે રાજી કરી શક્યા પછી વળતા દિવસે જનોઇ પણ મંગાવી લીધી, ને સ્નાન કરી પાટલે જમવા બેસવા નીકળ્યો ત્યારે ભોજાઈએ પેટાવેલા પાણીઆરા પરના દીવાને પોતે પગે પણ લાગ્યો.

આટલું થયા પછી ભદ્રા એક મોટી હિંમતનું પગલું ભરી શકી. જમતા દેરની એણે શરમાતે પૂછ્યું, 'ભૈ, તમારી રજા હોય તો એક હજામને બોલાવવો છે. કોઈ આપણો ઓળખીતો, પાકટ માણસ હોય તો સારું ભૈ ! ને તમે હાજર હો ત્યારે બોલાવીએ.'

જમતાં જમતાં વીરસુતે વિચિત્રતા અનુભવીને ભોજાઇ સામે જોયું. નીચે જોઇ ગયેલી ભદ્રાની સાડીની મથરાવટીની નીચે એક સફેદ માથા-