આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
માતા સમી મધુર : ૧૬૫


જગતમાં વિવાદ કરીને ગુણદોષ તોળવાને પાત્ર નથી હોઈ શકતી. શરીરની ચામડી કાળી હોય તો ઉતરડી નાખી નથી શકાતી. ચામડી સિવાય બીજી યે કેટલીક એવી બાબતો છે જીવનમાં, કે જેને ઉતરડવું ચામડીને ઉતરડવા કરતાં વધુ કઠિન છે.

તે ને તે જ સાંજે ઓરડામાં બેઠેલી ભદ્રાનું મસ્તક એક બુઢ્ઢા હજામના અસ્તરા સામે નીચે નમ્યું હતું. અસ્તરો ઝરડ ઝરાડ ફરતો બે તસુ જેટલા ઊગી નીકળેલા કાળા ભમ્મર વળનો ઢગલો નીચે ઢાળવા લાગ્યો. ઉઝરડા પાડતો અસ્તરો સ્વચ્છ મૂંડા ઉપર લોહીના ટશીઆ ટાંકતો હતો. અને ભદ્રા ફક્ત સહજપણે હજામને એટલું જ કહેતી કે 'અમારે વાઘા બાપા છે ને તેનો હાથ પણ તમારી જેવો જ હળવોફૂલ હો કાકા !' અને દેરે એ નજરોનજર નીરખ્યું ત્યારે એના હૃદયમાં ભદ્રા ભોજાઈ ન રહી, બહેન બની ગઈ, માતા સમી મધુર દેખાણી.