આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
પ્રકરણ પચીસમું
'હવે શું વાંધો છે?'

સાંકડી શેરીમાં અંધારી રાતે ચાલ્યા જતાં બે નાનાં છોકરાં જેવી આ દેરભોજાઇની સ્થિતિ બની ગઇ. બેઉના પેટમાં બીક હતી, છતાં બેઉ એક બીજાની ઓથે હિંમતવાન બની રહ્યાં. ભદ્રા પોતાના હૃદયના સુંવાળા સળવળાટોને દેરના ચારિત્ર્યનો ડર દેખાડી ડારતી ગઈ, ને વીરસુતના અંતરની ભૂતાવળોને વીરસુત હાકલ્યે ગયો કે શુદ્ધ સાત્વિક રંડાપો પાળનારી આવી ભગવતી ભોજાઈને જો આંહીં જરીકે પોતાનું અપમાન થયાનો વહેમ આવશે તો એ પાણી પીવા પણ ઊભી નહિ રહે. ને એ જશે તો આ સંસારની અધારગલ્લીમાં મારો એકનો એક સાથ તૂટી જશે.

નિર્ભય બનતી જતી ભદ્રા પરોડિયાની પૂજામાં પહેલાં જે શ્લોકો મનમાં મનમાં બોલી લેતી તે હવે સુંદર રાગ કાઢીને મોટેથી ગાવા લાગી. એના પ્રભાતી સૂરો વીરસૂતનાં લોચનો ઉપર મીઠી પ્રભાત - નિદ્રાનાં મશરૂ પાથરતા થયા.

મૂંડાયેલા મસ્તક પર ભાભીના વાળના નવા કોંટા, ચારેક દિવસના 'જવેરા' જેવડા દેખાયા ત્યારે અષાઢ મહિનો ચાલતો હતો. એવા એક દિવસે વીરસુત ઉદાસીભર્યો ઘેર આવ્યો. નમતા બપોર હતા.