આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
'હવે શું વાંધો છે?' : ૧૬૯


કશી ફાળ ફડક ઓછી હતી ભૈ! પણ મારા પિયરિયાનાં પિત્રાઇઓ ત્યાં આપણે ગામ રહેવા આવેલ છે ખરાં ને ભૈ, એમનો મૂવાનો એવો સ્વભાવ છે વાંકું જોયાનો. એ વગર બીજું કોઇ બોલે તો નહિ. શરશતી કાકી વાતવાતમાં બોલ્યા હોય તો કોણ જાણે. બાકી રેવતી મામી કે લક્ષ્મી ભાભુ તો મને બરાબર જાણે છે, એ તો પોતાની જીભ કચરી નાખે તેવાં છે; હશે ભૈ, કોક બોલે તેનું તો કશું નહિ, પણ મારા માવતરને કેવાં ફફડાવ્યાં હશે ! સારું થજો બોલનારનું. બીજું શું?'

બોલતી બોલતી ભદ્રાની આંખો ઊંચે સીલીંગની અંદર જાણે કે આંકા પાડતી હતી.

'પણ મેં કહ્યું ખરું ને ભૈ, ખરું કારણ એ નહિ જ હોય. એ તો બાપુજીને મારી અનસુએ ને કાં યમુના બેને અકળાવ્યાં હશે. મેં અનસુને પોરની સાલ જવેરા વાવી દીધાં હતા ને, તે આ વખતે પણ મેં અહીં એક વાટકી વાવ્યા ત્યારે જ મને થતું'તું કે અનસુ બાપુજીને રંઝાડી રહી હશે. એને મા તો શું સાંભરે બૈ! નાનું બાળક તો જેની જોડે હળે તે એની મા; પણ એને બરડામાં હાડકું વધે છે ને, તેની પીડા જ ઊપડી હશે. હાડકા માથે ચોળતી તો હું પોતે જ ખરીને, એટલે બાપુજીને બાપડાને ક્યાંથી ખબર કે ક્યાં કેટલું દબાવીને કઇ રગ ઉપર ચોળવું ! ચોળવાનું તેલ પણ ખૂટી ગયું હશે, ને હું મૂઈ કોઈને કહી યે નથી આવી કે તેલમાં શી શી જણશ કકડાવવાનું મારી બાએ મને કહેલું. એટલે સૌ મૂંઝાયા હશે.'

આટલા લંબાણથી વાતની વિગતમાં ઊતરવાની ભદ્રાએ કોઇ કોઇ વાર વૃત્તિ થઈ આવતી. પણ એ જ્યારે કોઈ વાતની વિગતમાં ઊતરી પડે ત્યારે એનો સ્વભાવ જાણનારાં નિકટનાં સંબંધી શ્રોતાઓ સમજી