આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
'હવે શું વાંધો છે?' : ૧૭૩


મૂંઝાયેલી ભોજાઇ તરફથી કશો હોંકારો ન મળ્યો, ફક્ત ભદ્રાના હાથમાં જે ચીપિયો હતો તે જમીન પર હળવે હળવે પછડાઈને કોઈ વાજિંત્રના તાર પેઠે ધ્રુજતો રહ્યો. એ ચીપિયો પછાડતી પછાડતી ભદ્રા વારંવાર ઊંચેથી નીચે ને નીચેથી ઊંચે દેરના મોં સામે જોઈ રહી.

"આંહીં કંઈ હવે તો જગ્યાનો સંકોચ નથી.' પોતાની જાણે જ બોલવું ચાલુ રાખતા વીરસુતે 'હવે' શબ્દ પર સહેજ મચરક દઈને આગળ ચલાવ્યું: 'જ્યેષ્ટારામ મામાને રાખવા માટે ઓ પેલું આઉટહાઉસ રહ્યું ઘર પછવાડે. ને બાપુજીને તમારી ખબર રાખતા બેસવું હશે તો દીવાનખાનું ય હવે તો ખાલી છે.' ફરી પાછો 'હવે' શબ્દ, કથરોટમાં બાજરાના લોટનો લૂવો મસળાય તેમ મસળાયો; 'મારે કંઇ દીવાનખાનામાં કોઈ મહેમાનને ખાવા પીવા બોલાવવો નથી. ને આવશે તો પાછલી પરશાળમાં બેસશું ને હવે તો કોણ આવવાનો હતો ! સૌ આવનારાઓને આકર્ષણ જોઈતું હતું.'

એ છેલ્લા શબ્દો બોલતો હતો ત્યારે વીરસુત ભદ્રા સામે નહિ પણ બાજુના પાણીઆરા પર નવી જ ચમક મારતા માટીના ગોળા તરફ ને એ ગોળા ઉપર ઢાંકેલા પીતળનાં માંજેલાં બુઝારાં તરફ જોતો હતો. પાણીઆરાને એનું પોતાનું અનોખું રૂપ મળ્યું હતું. અગાઉ કંચનના સમયમાં પાણીઆરા પર અજીઠાં ટૂથબ્રશ અને ત્રણદિવસનાં કોહેલાં દાતણ પડ્યાં રહેતાં ને લીલના પોપડા બાઝ્યા રહેતા.

'ને દેવુને ત્યાં શા સારૂ સડતો રાખ્યો છે ભૈ !' પાણીઆરાના બુઝારાં પર પોતાનું પતિબિંબ જોવા પ્રયત્ન કરતો કરતો એ બોલતો રહ્યો: 'મારું બગડ્યું છે તો ઠીક, પણ એ છોકરાનું ભાવિ શું કામ બગાડો છો બધાં?'

'બધાં નો ઉલ્લેખ કરનારો વીરસુત ભદ્રામાં વધુ ને વધુ હાસ્યની લાગણી ઉપજાવતો હતો.