આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
અણધાર્યું પ્રયાણ : ૧૭૭


સૌને જોઈને હસે એમ કરજો હો મા ! હો મા ! હો-હો-હો ?' કહેતે કહેતે એણે તુલસીની ડાળખી ઝાલીને ધુણાવી. કેમ જાણે માતાનો કાન ન આમળતી હોય !

વર્ષો પછી પહેલી જ વાર વીરસુતે પિતાને હસતા ને મોકળા કંઠના હોંકારા દીધા. વર્ષો પછી એણે ઘરના ખૂણા ને છાપરાના ખપેડા જોયા. વર્ષો પછી એણે રસોડા સુધી જઈ યમુના પાસે માગ્યું : 'હું ભૂખ્યો છું, કંઈક ખવરાવ તો ખરી ગાંડી!'

'ગાંડી-હી-હી-હી-ગાંડી!' એવું હાસ્યભર બોલતી યમુના પોતાના મોં આડે સાડીનો પાલવ ઢાંકતી હતી. અને 'ગાંડી' એ તો જાણે વીરસુતભાઇના મોંમાંથી પડેલો કોઇ ઇલકાબ હોય એવી લહેરથી નાસ્તો કાઢવા લાગી.

નાની અનસુ યમુનાની સાડીમાં લપેટાઈને ઊભી હતી, તેને ભાળી ત્યારે વીરસુતને એકદમ તો ભાન ન થયું કે આટલા સમયથી પોતાને ઘેર રહેલી ભદ્રા ભાભીએ કલેજું કેવી રીતે લોઢાનું કરી રાખ્યું હોવું જોઇએ. પણ યમુનાએ અનસુને કહ્યું : 'કાકા છે, બા પાસેથી આવ્યા છે.' ત્યારે અનસુએ પૂછ્યું,' બા કાં થે? બા થું કલે થે? બા અનછુ અનછુ કહી લલે છે?' ત્યારે વીરસુતના હૃદયના સખત બંધો તૂટવા લાગ્યા. તોયે એને તેડી લેવાનું તો એકદમ મન થયું નહિ. દેવુ નાનો હતો ને પોતે કોક વાર પત્નીને મળવા માટે જતો ત્યારે એ લાંબા હાથ કરી કરી ઘોડિયામાંથી કરગરી રહેલા બાળકને જેણે એકેય વાર તેડ્યો નહોતો, તે જ વીરસુત એકાએક તો અનસુને એનાં શેરીમાં રમી રમી રજોટાયેલાં અંગો સાથે છાતીએ કેમ કરી લઈ શકે ! પણ એને યાદ આવ્યું-અમદાવાદથી નીકળ્યો ત્યારે ભદ્રા ભાભીએ કહેલું વાક્ય કે 'અને ભૈ ! મોં ઓશિયાળું ન રાખજો હાં કે ? મોં તો હસતું રાખીએ. હસવું ન આવે તો યે હસીએં હો ભૈ !'