૮ : તુલસી ક્યારો
તારા બાપુના મામા જ્યેષ્ઠારામ મામા છે. એ બાપડા આંધળા છે. હવે એ બધાં આપણી સાથે રહે છે, પણ એ તો કશું કમાઈ લાવતાં નથી. કમાય છે તો એકલા તારા બાપ ને બીજું આવે છે મારું પંદર રૂપિયા પેન્શન. પણ તારા બાપને એ ભણીને આવ્યા કે તૂર્ત મોટી નોકરી શાથી મળી ગઈ હશે? જાણે છે? ના, હું યે જાણતો નથી. પણ બીજા તો કૈક તારા બાપની જોડેના રખડે છે. તો કોને ખબર છે કે આ આપણા ઘરનાં બધાંમાંથી કોના નસીબનું તારા બાપ નહિ રળતા હોય?'
'કહું દાદા ? કહું, મને ખબર છે, કહું ? એ... એ યમુના ફોઈના નસીબનું... ના, કહું દાદા, એ...એ જ્યેષ્ઠારામ મામાના નસીબનું. ના, ના, ના, રહો હું કહું, એ અનસૂયા બેનના... એ ના, ના, ના, દા દા ! તમે તો સમજો નહિ ને ? હવે ચોક્કસ ને ચોક્કસ કહી દઉં છું, હવે ફરવાનું નથી હે દાદા ! અ... એ.. કહું? બધા કરતાં બધાના નસીબનું.'
'બસ, તારી બા એમ જ કહેતાં.'
'મારી જબરી બા ને?'
'હા.'
'જબરી બા મને નથી ગમતી.'
'પણ મને એ બા બહુ ગમતી.'
'તમારી પણ બા ? લો......ઓ ! હો-હો ! હિ...હિ. દાદા તો છે ને કાંઇ? તમારી પણ બા ?'
'હા મારી પણ બા. મારા વીશ જ રૂપિયાના પગારમાંથી એ આખા કુટુંબનું ચલાવતી, ખબર છે?'
'ને પોતે જબરી હતી તોય શું ઓછું જમતી?'