આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

૧૮૬ : તુલસી-ક્યારો


બદલે હવે કેમ એ પરવા કર્યા વગર સાંભળી લે છે? કોઈ કહે છે કે એનાં એક વિધવા ભાભી તારા ગયા પછી એ ઘરમાં એકલાં રહ્યાં હતાં, તેની સાથે વીરસુતનો સંબંધ સારો બોલાતો નથી. આ તો સહેજ જ લખ્યું છે. તારે ને આ વાતને શો સંબંધ છે? આનંદ કરજે ને જ્યાં જાય ત્યાં ક્રાંતિ કરજે.'

કાગાળ વાંચી રહ્યા પછી મોંની કરચલીઓનો તંગ ઢીલો કરીને એણે ભાસ્કર પ્રત્યે કાગળ સામો ફગાવ્યો, ભાસ્કરે ટોળ કર્યું"

'કાં...આં ! લેતી જા !'

'મારે એમાં શું લેતા જવાનું બળ્યું છે? મારે એ સાથે શો સંબંધ છે?'

એટલું બોલીને એ પાછી પેન્સીલ લઈ પોતાનો નવો કાર્યક્રમ કાગળ પર ગોઠવવા લાગી. ને ભાસ્કર પોતાની બીજી ટપાલ પર નજર ફેરવતો ફેરવતો સહેજ આટલું બોલી ગયો -

'ને એને એની ભોજાઈ મળી ગઇ તોય શું ખોટું છે? આ જગતનો મોટામાં મોટો પ્રશ્ન જે એકબીજા માણસોએ ગોઠવાઇ જવાનો જ છે. જેઓ સરખાં ગોઠવાઈ શકતાં નથી તેઓ જ સમાજ જીવનને કાયમ માટે સંક્ષુબ્ધ કર્યા કરે છે.'

એ બોલતો હતો ત્યારે કંચન એની સામે તાકી રહી હતી. પણ ભાસ્કરે તો કાગળ-વાચનમાંથી માથું કર્યા વગર જ એ ડહાપણની વાત ચલાવ્યે રાખી -

'સારું થયું. હું તો આ વાંચીને રાજી થયો. વીરસુત જો ઠેકાણે પડી ગયો હશે તો તારો પીછો કે તારા નામની ચૂંથાચૂંથ છોડી દેશે. આપણે એટલાં હળવાફૂલ બની જશું. તારા પર હજુ પણ એનો જે માલિકી-ભાવ રહ્યો છે તે ટળી જશે.'