આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
પ્રકરણ અઠ્ઠાવીસમું
ક્યાં ગઈ પ્રતિભા !

તું સીધુ સામો જોઇને તો ચાલ ! આમ ચકળવકળ શું જોયા કરે છે ? આંહીં સ્ટેશન છે એટલું તો ધ્યાન રાખ.'

પણ ભાસ્કરના એ ઠપકાની કશી અસર કંચન પર ન થઈ. અમદાવાદ સ્ટેશન પર એ ઊતરી કે તરત જ એની આંખો ચોમેર શોધાશોધ કરી રહી; ક્યાંઈ વીરસુત છે ? ક્યાંઇ દેવુ છે ? ક્યાંઈ ભદ્રા કે સસરો છે ? શૂન્ય નજરે જોતી એ રઘવાયા જેવી, બાઘોલા જેવી બની રહી.

પ્રેમીજનો ને શત્રુજનો, બન્નેની આવી લાગણી રેલવે-સ્ટેશનો પર એક સમાન હોય છે. તેઓ કશી સંભાવના વગર પણ પોતાનો પ્રેમ વા શત્રુતાનાં પાત્રોને સ્ટેશન પર શોધતાં હોય છે.

દરવાજા પર ટિકીટ આપી દેવાની હતી. ટિકીટોની શોધ માટે કંચને પોતાનાં સ્વેટરનાં ખિસ્સાં, નીચે પોલકાનાં ખિસ્સાં, હાથની બેગ વગેરે ઘાંઘી બનીને તપાસ્યાં, આખરે પોતાની બગલમાંથી નીચે સરી પડેલી ડીટેક્ટીવ નવલક્થાના બેવડમાંથી ટિકીટો બહાર આવી. (હમણાં કંચનને જાસુસી વાર્તાઓ જ બહુ ગમતી.)